ગુજરાતમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ, છતાં ઉત્તર-પૂર્વના ગરમ પવનોનો પ્રભાવ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ગરમ પવનોને કારણે શિયાળાની તીવ્રતા અનુભવાતી નથી. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન મુજબ કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 14.4 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, પોરબંદરમાં 15.2 ડિગ્રી, અમદાવાદમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી અને કંડલામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ છતાં, આ આંકડા સામાન્ય શિયાળાની સરખામણીએ ઊંચા ગણાય છે.

કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો?
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં કડક ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલય વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય રહ્યા નથી. જ્યારે હિમાલયમાં ભારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ફૂંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારોમાં ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી હોવાથી ઠંડીનું જોર ઓછું રહ્યું છે. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના ‘અલ નીનો’ના પ્રભાવને કારણે વૈશ્વિક સ્તરે પણ શિયાળો હુંફાળો રહ્યો છે. સાથે જ અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતો અટકાવી રહ્યા છે.

ગ્લોબલ વોર્મિંગનો વધતો પ્રભાવ
ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ઝડપથી દેખાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યની ત્રણેય ઋતુઓમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડક ઠંડીનો પ્રારંભ થઈ જાય છે, પરંતુ આ વખતે ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ભર શિયાળામાં પણ ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધી છે. ડિસેમ્બર 2024માં નલિયામાં 31 દિવસમાંથી 22 દિવસ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 દિવસ જ પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે.

અમદાવાદમાં આ વખતે સૌથી ઓછું તાપમાન
28 ડિસેમ્બર 2024ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી સુધી ગગડ્યું હતું, જ્યારે આ વર્ષે સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વની બાબત એ છે કે આ વખતના ડિસેમ્બરમાં નલિયા સિવાય રાજ્યના અન્ય કોઈપણ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદમાં ડિસેમ્બર 2024 દરમિયાન 31માંથી 14 દિવસ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહ્યું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત જ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે.

15 વર્ષમાં સૌથી નરમ જાન્યુઆરી
અમદાવાદમાં ગયા 15 વર્ષમાં સૌથી ઓછી ઠંડી આ વર્ષે નોંધાઈ છે. ઐતિહાસિક રીતે 10 જાન્યુઆરી 1954ના રોજ 3.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રેકોર્ડબ્રેક ગણાય છે. ચાલુ વર્ષે માત્ર ત્રણ વખત જ તાપમાન 12 ડિગ્રીથી નીચે ગયું છે. ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો હતો, જ્યારે આ વર્ષે એવી સ્થિતિ જોવા મળી નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

થરૂરને વિદેશ મંત્રી બનવાની મહત્વાકાંક્ષા છે ? કોંગ્રેસના વરિષ્ઠ નેતા લગાવ્યો ગંભીર આરોપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યર હવે પોતાના જ પક્ષના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમણે તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર, વરિષ્ઠ નેતાઓ પવન ખેરા અને જયરામ રમેશનું નામ લીધું…

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, 18 ફેબ્રુઆરીના રજૂ થશે બજેટ

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં બપોરે 12 વાગ્યે બજેટની પ્રથમ બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે અને રાજ્યપાલના સંબોધન પર આભાર…