દેશના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે આગામી 26મી જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદના મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર સુજીત કુમારે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ, નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા બેઠક યોજી હતી.
આ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમના સુચારુ, શિસ્તબદ્ધ અને ગૌરવસભર આયોજન માટે જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ધ્વજવંદન સમારોહ, પરેડ વ્યવસ્થા, સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ, આમંત્રિત મહેમાનોની વ્યવસ્થા, ટેબ્લો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ઉપસ્થિત રહેનારા નાગરિકોને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર સુજીત કુમારે તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે પોતાની જવાબદારીઓ નિભાવવાની સૂચના આપી હતી તેમજ ગણતંત્ર દિવસનો કાર્યક્રમ રાષ્ટ્રીય ગૌરવ અને આન-બાન-શાન સાથે ઉજવાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






