અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી હવામાની સિસ્ટમ હવે વધુ શક્તિશાળી બની છે. હવામાન વિભાગ મુજબ, આ સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને હાલ પોરબંદરથી આશરે 210 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ સ્થિર છે. આગામી દિવસોમાં તોફાની પવન અને વરસાદ માટે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રાખવામાં આવ્યા છે.
ડિપ્રેશનનું સ્થાન અને ગતિ
2 ઓક્ટોબર, સવારે 11:30 કલાકે મળેલી માહિતી મુજબ ડિપ્રેશન નીચે આપેલા સ્થાનોએ નોંધાયું છે:
– પોરબંદરથી: 210 કિ.મી. પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ
– દ્વારકાથી: 210 કિ.મી. દક્ષિણપશ્ચિમ
– નલિયાથી: 290 કિ.મી. દક્ષિણ-દક્ષિણપશ્ચિમ
– કરાચીથી: 460 કિ.મી. દક્ષિણ
આ સિસ્ટમ આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર તરફ દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે.
વરસાદ અને પવનની આગાહી
2થી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા. 3 થી 5 ઓક્ટોબર દરમિયાન મધ્ય અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર વિસ્તારમાં 45-55 કિ.મી./કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા. ક્યારેક પવનની ઝડપ 65 કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે.
દરિયાઈ સ્થિતિ અને માછીમાર માટે ચેતવણી
હવામાન વિભાગે માછીમારોને માટે ખાસ ચેતવણી આપી છે:
– 3 ઓક્ટોબર સુધી: ઉત્તરપૂર્વ અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં દરિયાઈ સ્થિતિ તોફાનીથી અત્યંત તોફાની રહેવાની શક્યતા.
– 4 થી 5 ઓક્ટોબર: પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં પણ તોફાની સ્થિતિ યથાવત રહેશે.
– આથી માછીમારોને આ તમામ દિવસોમાં દરિયો ન ખેડવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ નજર રાખી રહ્યો છે
ભારતીય હવામાન વિભાગ (IMD) આ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે અને નવી અપડેટ સાથે જનતાને સુચિત કરે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી રહી છે.







