પેટ્રોલ-ડીઝલ સપ્લાય પર CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ: દરરોજ મોનિટરિંગ કરવા કંટ્રોલ રૂમને સૂચના

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકમાં અનેક પ્રજાલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલી મહત્વપૂર્ણ સૂચનાઓ અંગે માહિતી આપી હતી.

મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની સફળતા બદલ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ રાજ્યના વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓને વધુ ગતિશીલ બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક દરમિયાન ખાસ ભાર મૂક્યો હતો કે રાજ્યના બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓનો લાભ ઝડપથી લોકો સુધી પહોંચવો જોઈએ. આ માટે અંદાજપત્રમાં સમાવિષ્ટ 80 ટકા કરતાં વધુ યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. જ્યારે ચૂંટણી આચારસંહિતાના કારણે બાકી રહેલી યોજનાઓને પણ ઝડપથી મંજૂરી આપી અમલમાં મૂકવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે.

શૈક્ષણિક ક્ષેત્ર અંગે મુખ્યમંત્રીએ ખાસ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પછી કોઈપણ લાયક વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત ન રહે તેની ખાતરી કરવામાં આવે. આ માટે સતત દેખરેખ રાખવા અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે.

આ બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના જથ્થાનું દરરોજ કંટ્રોલ રૂમ મારફતે મોનિટરિંગ કરવામાં આવે અને જરૂરિયાત મુજબ સપ્લાય વ્યવસ્થા જાળવવામાં આવે. સરકારનું માનવું છે કે ઈંધણ પુરવઠો સતત જળવાઈ રહે અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સમયસર પગલાં લેવાનું અત્યંત જરૂરી છે.

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયોને આવનારા સમયમાં વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે.

 

 

  • Related Posts

    દિલ્હી BRICS બેઠકમાં ઈરાન-UAE આમને સામને: મતભેદો વચ્ચે ભારત સંયુક્ત નિવેદન જાહેર કરવામાં નિષ્ફળ

    નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બે દિવસીય બેઠક કોઈ સંયુક્ત નિવેદન વિના પૂર્ણ થતાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક દરમિયાન મધ્ય…

    ભારે વરસાદ અને કરા વચ્ચે ચાર ધામ યાત્રા કેવી રીતે કરશો? જાણો મહત્વપૂર્ણ ટિપ્સ અને સાવચેતીઓ

    ભારતીય હવામાન વિભાગ દ્વારા પહાડી વિસ્તારોમાં ખરાબ હવામાન અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ચાર ધામ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ સાવચેતી રાખવી…