નવી દિલ્હી: શ્રમ મંત્રાલયે EPFO સાથે જોડાયેલા લાખો ખાતાધારકો માટે મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લીધો છે. હવે એવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા રૂપિયા, જેમાં ₹1,000 કે તેથી ઓછી રકમ છે, તે કોઈપણ કાગળકામ કે અરજી વિના સીધા જ ખાતાધારકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે આપમેળે (Automatic) થશે, એટલે ખાતાધારકને EPFO ઓફિસની મુલાકાત લેવાની કે અલગથી ક્લેમ ફાઇલ કરવાની જરૂર નહીં પડે.
શું છે નિષ્ક્રિય ખાતું?
EPFOના નિયમો મુજબ, જો કોઈ ખાતામાં સતત ત્રણ વર્ષ સુધી કોઈ યોગદાન, ટ્રાન્સફર અથવા ક્લેમ જેવી પ્રવૃત્તિ ન થાય તો તે ખાતાને “નિષ્ક્રિય” (Inactive Account) ગણવામાં આવે છે. હાલમાં દેશમાં કુલ અંદાજે 31 લાખથી વધુ નિષ્ક્રિય EPFO ખાતાઓ છે. આ તમામ ખાતાઓમાં મળીને આશરે ₹10,000 કરોડ જેટલી મોટી રકમ જમા છે. તેમાંમાંથી લગભગ 6 લાખ ખાતાઓ આધાર સાથે જોડાયેલા છે અને તેમાં ₹1,000 થી ઓછી રકમ જમા છે. આ ખાતાઓમાં કુલ મળીને આશરે ₹600 કરોડ જમા હોવાનું માનવામાં આવે છે.
કેવી રીતે મળશે રૂપિયા?
શ્રમ મંત્રાલયના સૂત્રો અનુસાર, આધાર સાથે જોડાયેલા અને ₹1,000થી ઓછી રકમ ધરાવતા નિષ્ક્રિય ખાતાઓમાં EPFO પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રકમ આપમેળે જમા કરશે. જો આ પ્રોજેક્ટ સફળ રહેશે, તો બાકીના લગભગ 25 લાખ નિષ્ક્રિય ખાતાઓ માટે પણ સમાન પ્રક્રિયા અમલમાં મુકવામાં આવશે.
ખાતાધારકને:
-
કોઈ ફોર્મ ભરવાની જરૂર નહીં પડે
-
કોઈ કાગળકામ કરવાની જરૂર નહીં રહે
-
EPFO ઓફિસ જવાની જરૂર નહીં પડે
- રકમ સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
કેટલુ છે કુલ જમા ફંડ?
અંદાજ મુજબ:
-
31 લાખથી વધુ નિષ્ક્રિય ખાતાઓમાં આશરે ₹10,000 કરોડ જમા
-
6 લાખ ખાતાઓમાં ₹1,000થી ઓછી રકમ સાથે કુલ ₹600 કરોડ
-
કુલ 31.86 લાખ ખાતાઓમાં ₹10,903 કરોડ જેટલુ ફંડ
-
લગભગ 7.11 લાખ ખાતાઓમાં ₹30.52 કરોડની નાની થાપણો
- આમાંથી અનેક ખાતાઓ ત્રણથી લઈને 20 વર્ષ જૂના હોવાનું પણ જાણવા મળ્યું છે.
લાખો લોકો માટે ફાયદો
આ નિર્ણયથી લગભગ 31 મિલિયન EPFO સભ્યોને સીધો ફાયદો થશે. ખાસ કરીને નાના બેલેન્સ ધરાવતા અને લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા ખાતાધારકોને હવે પોતાની જમા રકમ મેળવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે.
શ્રમ મંત્રાલયનો આ નિર્ણય ડિજિટલ અને સરળ પ્રક્રિયાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે, તો ભવિષ્યમાં તમામ નિષ્ક્રિય ખાતાઓ માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ શકે છે.
EPFO સાથે જોડાયેલા લાખો કર્મચારીઓ માટે આ એક મોટી રાહત અને સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





