ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ, પંજાબ અને રાજસ્થાન રાજ્યો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાની શહેરો પર મિસાઇલ હુમલા કર્યા. આ દરમિયાન, ભારતને પડોશી દેશ નેપાળ તરફથી સમર્થન મળ્યું છે. નેપાળે ગુરુવારે કહ્યું કે તે પ્રદેશમાં વધતા તણાવ અંગે “ખૂબ ચિંતિત” છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિમાલયનો આ રાષ્ટ્ર તેની ભૂમિનો ઉપયોગ તેના પડોશીઓ સામે “પ્રતિકૂળ” દળોને થવા દેશે નહીં. એટલું જ નહીં, નેપાળે સ્પષ્ટ કર્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએ.
નેપાળના વિદેશ મંત્રાલયની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારતે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, પાકિસ્તાન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને પંજાબ પ્રાંતમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં એક નેપાળી નાગરિક સહિત 26 લોકો માર્યા ગયા હતા.
આ પછી, પાકિસ્તાને બુધવારે રાતથી જ ભારત પર હુમલો શરૂ કરી દીધો. પાકિસ્તાને મિસાઇલો અને ડ્રોનથી ભારતીય શહેરોને નિશાન બનાવ્યા, પરંતુ પહેલાથી જ સતર્ક ભારતીય સેનાએ પાકિસ્તાનના મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતે લાહોર સહિત પાકિસ્તાનના ઘણા શહેરોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો:સ્પાઇસજેટ અને ઇન્ડિગો તરફથી મુસાફરો માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી, 3 કલાક પહેલા પહોંચવાની અપીલ
આતંકી હુમલાને લઈ વ્યક્ત કર્યું દુખ
નેપાળના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે નેપાળ સરકાર ખૂબ ચિંતિત છે, જેમાં એક નેપાળી નાગરિકનો જીવ ગયો હતો.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ દુ:ખદ સમયમાં નેપાળ અને ભારત એકતામાં ઉભા છે.” “બંને દેશોએ દુઃખ અને પીડામાં એક રહેવું જોઈએ.”








