આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન તા. 28 જાન્યુઆરી, 2026ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ વેચાણ અને પ્રદર્શન મેળો આગામી તા. 03 ફેબ્રુઆરી સુધી યોજાશે.
આ મેળામાં તમામ આદિવાસી ભાઈ-બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અહી દરરોજ રાત્રે પ્રખ્યાત આદિવાસીઓ નૃત્ય ટીમો દ્વારા વિવિધ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરશે તેમજ કુલ 75 સ્ટોલ તથા 112 હસ્ત કલાકારો-વૈદુ ભગતો ઉપસ્થિત રહ્યા છે. મંત્રી એ આદિવાસી હસ્ત કલાકારો અને વૈદુ ભગતોના સ્ટોલોની મુલાકાત લઈને પ્રોત્સાહિત કર્યા હતા.
બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી
આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણે પ્રાકૃતિક, કુદરતી ખેતીવાડી કે અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, પરંતુ તેને બ્રાન્ડ બનાવી શક્યા નથી. જે માટે આ વસ્તુઓ પર વિશ્વાસ, ગુણવત્તા અને ભરોસો ઊભો કરવાનો છે, જેથી આપણે આપણી ચીજ વસ્તુઓની સારી બ્રાન્ડ બનાવી શકીએ. આમ, આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા અને વનૌષધિઓના સંરક્ષણ માટે બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી છે.
મંત્રી એ ઉમેર્યું હતું કે, આજે સમાજમાં ફાસ્ટ ફૂડવાળા ખોરાકને કારણે અનેક રોગ વધ્યા છે. આ રોગોને નિવારવા માટે પ્રાકૃતિક પેદાશોવાળા ખોરાકની ખૂબ જ જરૂરિયાત છે. આગામી સમયમાં પ્રાકૃતિક ચીજ વસ્તુઓની ખૂબ આવશ્યકતા રહેવાની હોવાથી આ પ્રાકૃતિક અને પરંપરાગત ચીજ વસ્તુઓ જાળવી રાખવી અત્યંત જરૂરી છે.
વડાપ્રધાને આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે કર્યું કામ
મંત્રી પટેલે કહ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, હસ્તકલા, પોશાક, ભાષા, નૃત્ય, ખોરાક, વન ઔષધીઓ, વિચારો, આધ્યાત્મિકતા વગેરેનું સવિશેષ સંરક્ષણ તેમજ સંવર્ધન થાય તે માટે સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ રહ્યા છે. જે માટે તેમણે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી છે.
મને ગર્વ છે કે હું હિન્દુ છું, મને ગર્વ છે કે હું ભારતીય છું અને તેનાથી પણ સવિશેષ મને ગર્વ છે કે હું આદિવાસી છું, તેમ જણાવતા મંત્રી એ કહ્યું હતું કે, આદિવાસી સમુદાયે મારામાં પ્રાકૃતિક અને જમીની સ્તરના મૂલ્યોનું સિંચન કર્યું છે. પોતાના વ્યાવસાયિક અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, તેમણે પોતાની વ્યાવસાયિક કારકિર્દી નાના ફટાકડાના ધંધાથી શરૂ કરી હતી. આજે તેઓ જુદા જુદા વ્યવસાયો કરીને એક ઉત્તમ વેપારી બની શક્યા છે. વેપારમાં સાહસિકતા, ધૈર્ય અને પ્રામાણિકતા ખૂબ જરૂરી છે. વેપારમાં નુકસાન થાય તો ડરવું નહીં, પરંતુ મનોમંથન કરવું આવશ્યક છે.
રાજ્ય સરકારે કરેલી ઉત્તમ કામગીરી રજૂ કરી
આ કાર્યક્રમમાં કાર્યપાલક નિયામક ડો. સી. સી. ચૌધરીએ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીનો પરિચય અને સોસાયટી દ્વારા આદિવાસી સમુદાયના સંદર્ભમાં કરવામાં આવેલ સંશોધન, તાલીમ, આદિવાસી મેળાઓ વગેરે સંબંધિત કામગીરીની વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે કાર્યરત યોજનાઓ જેમકે PM-JANMAN, DA-JDUA અને આદિ કર્મયોગી અભિયાન સંદર્ભે રાજ્ય સરકારે કરેલી ઉત્તમ કામગીરી રજૂ કરી હતી.
આ ઉદ્ઘાટન પ્રસંગે સાબરમતી વોર્ડના કોર્પોરેટર બાબુભાઈ રાણા, લાંભા વોર્ડના કોર્પોરેટર મતી જશોદાબેન અમલીયાર, આદિજાતિ વિભાગના અધિકારી-કર્મચારી ઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






