Ahmedabad : સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાગી લાંબી લાઇન, બહાર પાડવું પડ્યું વેઇટિંગ લિસ્ટ

પંકજ મકવાણા, અમદાવાદ/ ‘સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇન અને વેઇટિંગ લિસ્ટ…’’ કદાચ આ શબ્દો તમારા કાને પડતા તમે એક સેકેન્ડ માટે તો આશ્વર્યચકિત થઇ જશો અને જરૂરથી કહેશો કે, અરે ના હોય ! આવું તો માત્ર પ્રાઇવેટ સ્કૂલમાં જોવા મળે, સરકારી સ્કૂલોમાં થોડું આવું હોય ! પણ આ વાત એટલી જ સત્ય છે કે, હવે સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇનો પણ લાગી રહી છે અને કેટલીક સરકારી સ્કૂલો દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. જેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી થલતેજ અનુપમ શાળા – 2 એ પૂરું પાડ્યું છે.

રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. આ બાબતોને ધ્યામાં રાખીને આ વર્ષે થલતેજ અનુપમ શાળા – 2 માં વિદ્યાર્થીઓના એડમિશનને લઇને વાલીઓની લાંબી લાઇનો તો જોવા મળી, સાથો-સાથ આ વર્ષે સ્કૂલ દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે.

આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનની અંદાજિત 25 થી વધુ સરકારી શાળાઓમાં જોવા મળી રહી છે. જેમાં ઘાટલોડિયા, સાબરમતી, થલતેજ, જોધપુર, એલિસબ્રિજ, નારણપુરા, અસારવા, બાપુનગર, નરોડા, અમરાઇવાડી, મણિનગર, વટવા, બહેરામપુરા, નિકોલ, વસ્ત્રાલ, દાણીલિમડા, દરિયાપુર, મોટેરા, ઠક્કરબાપાનગર વિસ્તારની સરકારી સ્કૂલોનો સમાવેશ થાય છે.

આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વર્ષ 2025-26 માટે નામાંકન સર્વે મુજબ બાળકોની સંખ્યાની વાત કરીએ તો, બાળવાટિકામાં પ્રવેશપાત્રની બાળકોની સંખ્યા 8255 તેમજ ધોરણ 1 માં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા 1501 છે, આમ કુલ 9756 પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા છે.

સ્માર્ટ એજ્યુકેશન પર મુકાયો ભાર
રાજ્ય સરકાર બાળકોને બાળમંદિરથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષાની દિશા આપવા માટે રાજ્ય સરકારે શિક્ષણનું સુદ્રઢ માળખુ વધુ સારી રીતે વિકસિત કરીને નવા આયામો સાથે લાખો બાળકોને તેમના સર્વાંગી વિકાસ માટે શિક્ષિત કરી રહી છે. સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા સરકારી સ્કૂલોમાં કરવામાં આવી છે. રાજ્ય સરકારે શહેરથી લઇને ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂકયો છે, ક્વોલિફાઇડ શિક્ષકો સાથે ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે જે પ્રકારની કામગીરી થઇ રહી છે તેના પરિણામે એવું ફળ મળ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડીને હવે વાલીઓ તેમનાં બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે. થલતેજ અનુપમ(સ્માર્ટ) પ્રાથમિક શાળા નંબરમાં ખાનગી શાળામાંથી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો, વર્ષ 2022-23 માં 44 , વર્ષ 2023-24 માં 79 અને વર્ષ 2024-25 માં 62 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

11 વર્ષમાં 55,605 વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી
અમદાવાદ શહેરના છેલ્લાં 11 વર્ષના આંકડા જોઇએ તો, કુલ 55,605 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું છે. જેમાં વર્ષ 2014-15 માં કુલ 43 વિદ્યાર્થીઓ, 2015-16 માં 5481 વિદ્યાર્થીઓ, 2016-17 માં 5005 વિદ્યાર્થીઓ, 2017-18 માં 5219 વિદ્યાર્થીઓ, 2018-19 માં 5791 વિદ્યાર્થીઓ, 2019-20 માં 5272 વિદ્યાર્થીઓ, 2020-21 માં 3334 વિદ્યાર્થીઓ, 2021-22 માં 6289 વિદ્યાર્થીઓ,2022-23 માં 9500 વિદ્યાર્થીઓ, 2023-24 માં 5315 તેમજ 2024-25 માં 4399 જેટલા વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

આ અંગે વાત કરતા અમદાવાદ શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ કહ્યું કે, ‘રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ જેમકે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી પુરસ્કૃત સ્કોલરશીપ યોજનાઓ, રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવતા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલીમબદ્ધ શિક્ષકો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતની શાળાઓ, સ્માર્ટ શાળા, અદ્યતન કમ્પ્યૂટર લેબ, સાયન્સ લેબ, સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ તેમજ માળખાકીય સુવિધામાં વધારો આ બધા પરિબળોને કારણે વાલીઓને દૃઢ વિશ્વાસ થયો છે કે તેમના બાળકને ખાનગી શાળાઓ કરતાં પણ અનેકગણું ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહ્યું છે. એટલું જ નહીં, કોર્પોરેશનની સરકારી શાળાઓમાં તેમનાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય પણ તેઓ જોઇ રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, સરકારી નીતિઓને કારણે પણ વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે. રાજ્ય સરકારની શિક્ષણ વિષયક યોજનાઓ તેમજ બાળકોને મળતા લાભો વિશે વાલીઓને જાગૃત કરવામાં આવે છે. આ બધા પરિણામોને કારણે વાલીઓ સરકારી સ્કૂલમાં પણ ખાનગી સ્કૂલ કરતા શ્રેષ્ઠ શિક્ષણ મળે છે તે જાણ્યા, અનુભવ્યા અને મુલાકાત લીધા બાદ તેમનાં બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવે છે. એટલું જ નહીં, નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે. આ વર્ષે ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી એડમિશન પ્રોસેસ ચાલું રહેવાને કારણે આ વર્ષના આંકડામાં હજુ પણ વધારો થઇ શકે એમ છે.

જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન ડૉ.સુજય મહેતાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે બે-અઢી દાયકા અગાઉ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની કમાન સંભાળી ત્યારથી રાજ્યમાં શિક્ષણની નવતર પરિભાષા વિકસી હતી. કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવની વિચારધારા અત્યંત ઉપયોગી પુરવાર થઇ છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 અંતર્ગત મહત્તમ આયામોનો સમાવેશ કરવાનો પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડની શાળાઓમાં કરવામાં આવ્યો છે અને તેના પરિણામે આજે સરકારી સ્કૂલોમાં 100 ટકા નામાંકન થઇ રહ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓની એકેડમિક સ્ટ્રેન્થ વધવી, માળખાકીય સુવિધાઓમાં વધારો થવો, રેસિડેન્શિયલ સ્કૂલ, સ્માર્ટ સ્કૂલ, આધુનિક પ્રયોગશાળાઓ, વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલોપમેન્ટ અંગેના અભ્યાસક્રમો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સક્રિય બનાવાથી પણ ઘણો ફાયદો થયો છે. આ સિવાય સરકારી શાળાઓમાં રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલની 214 શાળાઓમાં નાની-મોટી માળખાકિય સુવિધા યુક્ત કામગીરી ચાલી રહી છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓનું નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ શાળાઓનું નિર્માણ થયું છે. એટલું જ નહીં, અંદાજિત 18 જગ્યાઓ પર નવી સ્કૂલોનું નિર્માણ પણ થઇ રહ્યું છે. ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પર ભિક્ષાવૃતિ કરનાર વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ચાલી રહ્યું છે.

આમ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડના ઉપક્રમે આ પ્રકારની માળખાકિય સુવિધાયુક્ત શિક્ષણ, ટેક્નોલોજીયુક્ત શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમયની સાથે ખભે થી ખભો મિલાવીને જરૂરી તમામ પ્રકારની શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃતિ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ તમામ બાબતોને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ સરકારી શાળાઓ પ્રત્યે વધ્યો છે. આગામી સમયમાં જે વિશ્વાસ વાલીઓ અને વિદ્યાર્થીઓએ મૂક્યો છે તેને પૂર્ણ કરવામાં સ્કૂલ બોર્ડ કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે.

Related Posts

અમદાવાદનો ઐતિહાસિક વિજય : India Officially Awarded Hosting Rights for CWG 2030

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સોંપાઈ. ધ્વજ અને બેટન હસ્તાંતરણ સાથે ગુજરાત અને ભારતે વૈશ્વિક રમતગમતના નવા યુગમાં પ્રવેશ કર્યો. અમદાવાદ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ ભારતના રમતગમતના ઇતિહાસમાં એક નવી સિદ્ધિ ઉમેરાઈ છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના ભવ્ય સમાપન સમારોહમાં સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન અમદાવાદને સોંપવામાં આવ્યા, જેના સાથે જ વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદની ઐતિહાસિક સફરનો પ્રારંભ થયો છે. આ ક્ષણ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની બાબત છે. વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં થયેલા આ સમારોહે ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવ્યું છે. ગ્લાસગોથી અમદાવાદ સુધીની ઐતિહાસિક બેટન યાત્રા કોમનવેલ્થ ગેમ્સની પરંપરા…

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *