રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક ‘112’ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇમરજન્સી સેવાઓની કામગીરી બારીકાઈથી સમજવાનો અને તેને વધુ ઝડપી બનાવવાનો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘112’ ઈમરજન્સી નંબર પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચાઈલ્ડ હેલ્પલાઈન અને મહિલા હેલ્પલાઈન માટે એક જ ‘સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ’ તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે.
મુલાકાત દરમિયાન ડો. રાવે ઈમરજન્સી કોલને કેવી રીતે એટેન્ડ કરવામાં આવે છે, તેને કઈ કેટેગરીમાં વહેંચવામાં આવે છે અને જીપીએસ સિસ્ટમ દ્વારા નજીકની ગાડીને કેવી રીતે સ્થળ પર મોકલવામાં આવે છે તે અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ડેટા એનાલિટિક્સના ઉપયોગ દ્વારા ઇમરજન્સીમાં મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને ૧૦ મિનિટથી પણ ઓછો કરવા સૂચન કર્યું હતું.
એક દિવસમાં સરેરાશ 12,000 થી વધુ કોલ એટેન્ડ
રાજ્યભરમાં ‘112’ ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા ૪ મહિનામાં કુલ 3,82,728 ઇમરજન્સી કેસ એટેન્ડ કરવામાં આવ્યાં છે. ઇમરજન્સી પરિસ્થિતિમાં એક દિવસમાં સરેરાશ 12,000 થી વધુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. આ સેવામાં જાન્યુઆરી 2026માં સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 11 મિનિટ 56 સેકન્ડ રહ્યો છે.
ડો. કે.એલ.એન. રાવે સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, ફિલ્ડમાં હાજર પોલીસ અને કંટ્રોલ રૂમ વચ્ચેનો સચોટ તાલમેલ જ આ સેવાની સફળતાનો પાયો છે. 112 સેવાની ટેકનોલોજી, હ્યુમન રિસોર્સ અને સમગ્ર ટીમની કામગીરીની દર મહિને સમીક્ષા કરવામાં આવશે. ફીલ્ડમાં રહેલી ટીમો ‘MDT’ એપ્લિકેશનનો ઉપયોગ કરવા અને પ્રોટોકોલ મુજબ કામ થાય તે અંગે પણ ડો. રાવે ચર્ચા કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોને મુશ્કેલીના સમયે ઝડપથી મદદ મળી રહે તે હેતુથી ગુજરાતની ‘112’ સેવાને સમગ્ર દેશમાં એક આદર્શ અને ભરોસાપાત્ર મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય છે. આ મુલાકાતમાં તેમની સાથે એડીશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન, ખુરશીદ અહેમદ, આઈજીપી દીપક મેઘાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






