B INDIA અમદાવાદ : ગુજરાતમાં ત્રણ -ચાર દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ હજુ શિયાળાએ વિદાય લીધી નથી. તેવામાં ઠંડીનો હજુ એક રાઉન્ડ આવી શકે છે. ક્યાંક વરસાદ તો ક્યાંક બરફવર્ષા થઈ રહી છે ક્યાંક ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 30 જાન્યુઆરી સુધી હવામાન આવું રહેવાના એંધાણ છે.તો ગુજરાતમાં અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે. અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, દેશમાં એક ચક્રવાતી તોફાન દસ્તક દઈ રહ્યું છે. કારણ કે 3-3 સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે પંજાબ અને તેની આજુબાજુના નીચલા ક્ષોભમંડળ સ્તર પર સ્થિત છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન નીચલા ક્ષોભમંડળ સ્તર પર જ હરિયાણા અને તેની આજુબાજુના વિસ્તારોમાં સ્થિત છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેના નીચલા ક્ષોભમંડળ સ્તર પર સ્થિત છે. એક વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે એક્ટિવ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદનું એલર્ટ આપ્યું છે.
આજે દિલ્હી એનસીઆરની સાથે સાથે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં પણ વાદળ વરસી શકે છે. જેનાથી તાપમાનમાં ઘટાડો આવવાથી ઠંડી વધી શકે છે. જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફવર્ષાનો દોર ચાલુ છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગ, જોજિલા પાસમાં બરફવર્ષાથી ગુરેજ-બાંદીપુરા રોડ, સેમથાન-કિશ્તવાડ, મુગલ રોડ બંધ છે.હિમાચલ પ્રદેશમાં 5 જિલ્લામાં કોલ્ડવેવ ચાલવાનું યલ્લો એલર્ટ રહેશે. 28 જાન્યુઆરી સુધી હિમાચલમાં વરસાદ, બરફવર્ષા, ધુમ્મસ અને કોલ્ડવેવનું હવામાન રહેશે. યુપીના 40 જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. ક્યાંક કયાંક વરસાદ પડવાના આસાર છે.
-> દેશભરમાં કેવું રહેશે હવામાન :- 23 જાન્યુઆરીના રોજ પશ્ચિમી હિમાલયી વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરીમાં અલગ અલગ સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તમિલનાડુ અને પુડુચેરીમાં તોફાની વાયરો ફૂંકવાની સાથે વરસાદ પડી શકે છે. આ હવામાનની અસર દક્ષિણ ભારતના અન્ય રાજ્યો કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશામાં પણ જોવા મળી શકે છે. હાલમાં ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. હવામાન વિભાગે આ સાથે કહ્યું કે 22 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 22મી જાન્યુઆરીએ રાતથી પવનની દિશા બદલવાને કારણે ઠંડી વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.