B INDIA અમદાવાદ : અમદાવાદનાં વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાયો છે. કેન્દ્રીય ગૃહ અમિત શાહે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભૈયાજી જોશી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, લીંબડી નિંબાર્ક પીઠના મહામંડલેશ્વર 1008 લલિત કિશોરદાસજી મહારાજ, છારોડી સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી માધવ પ્રિયદાસજી તેમજ વિવિધ સંપ્રદાયના સાધુ સંતો પણ જોડાયા હતા.
મહત્વનું છે કે, આજથી શરૂ થયેલા મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળામાં ઝાંખી મૂકવામાં આવી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે, ‘‘સૌથી પહેલા નેતાજીને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરું છું.
નેતાજી 90 વર્ષના આઝાદીના સંગ્રામમાં ધ્રુવ તારાની જેમ રહ્યા છે. સમગ્ર જીવન ત્યાગ આઝાદી માટે સમર્પિત કર્યું. નેતાજીને હું ફરીવાર પ્રણામ કરું છું. આવતા પહેલા થોડું ચક્કર લગાવીને હું આવ્યો 200થી વધુ સેવા કરવાવાળી સંસ્થાઓને એક મંચ પર લાવવાનું કામ આયોજકોએ કર્યું છે.’’આ સાથે તેમણે જણાવ્યું છે કે, ‘‘આ હિન્દુ મેળામાં રાણી અહિલ્યાબાઈનો પણ સ્ટોલ છે. તેમણે 20 ધર્મસ્થાનોને પુનઃ જીવિત કરવાનું કામ કર્યું હતું. 300 વર્ષ ખૂબ મોટી માત્રામાં ઉજવવામાં આવ્યા છે. ત્યારે આ મેળામાં પણ એમને સ્થાન આપ્યું છે. જે જ્ઞાનવર્ધક થશે એનો મને વિશ્વાસ છે.’’
અમિત શાહે પોતાના સંબોધનમાં મહાકુંભ અંગે જણાવ્યું હતું કે, ‘‘હાલ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા કુંભ મેળામાં ગુજરાતીઓને જવા માટેની અપીલ કરતા કહ્યું હતું કે, પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે. 144 વર્ષ પછી પ્રયાગરાજમાં ફરી મહાકુંભ થયો છે. અનેક એમ્બેસેડર જોડે વાત થઈ એમને મેં કહ્યું, ત્યાં જવા માટે કોઈ નિમંત્રણ પત્રિકા નથી. સરકારની કામગીરી રામસેતુ ખિસકોલી જેટલી હોય છે. સૌ ગુજરાતીઓને કહું છું કે, મહાકુંભ ઘણા લોકોના નસીબમાં નથી આવતો ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો, તમારા નસીબમાં મહાકુંભ છે તો જરૂર જવું જોઈએ.