B INDIA વડોદરા : વડોદરાની MS યુનિવર્સિટીમાં પદવીદાન સમયે પદવી નહીં લેનારા વિદ્યાર્થીઓ હાલ અટવાઈ પડ્યા છે. તેનું કારણ એ છે કે પદવીદાન થઈ ગયાને અનેક દિવસો વિતી ગયા હોવા છતાં હજુ 1500 જેટલાં વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાથી વંચિત છે. હકીકતમાં ડિગ્રી સર્ટિફિકેટ માટે જે ફોર્મ ભરાવવામાં આવતું હોય છે. તેમાં કુરિયરનું ઓપ્શન આપવામાં આવતું હોય છે. અને કુરિયર થકી વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિ પહોંચાડવામાં આવતા હોય છે. પરંતુ આ ઓપ્શન પસંદ કરનારા લોકો સુધી હજુ સુધી સર્ટિફિકેટ પહોંચ્યા જ નથી.
જેને પગલે આગળ એડમિશન લેવા માંગતા કે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે. વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે સર્ટિફિકેટ માટે ઊંચી ફી વસૂલ્યા બાદ પણ શા માટે તેમને સમયસર સર્ટિફિકેટ આપવામાં નથી આવતા ? જો કે બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશો જાણે સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરતાં હોય તેવો ઘાટ સર્જાયો. સત્તાધીશોનું કહેવું છે કે, હજુ આગામી 27 જાન્યુઆરી બાદથી સર્ટિફિકેટ કુરિયર કરવામાં આવશે. ઉત્તરાયણની રજાઓમાં ક્યાંક સર્ટિફિકેટ અટવાઈ ન જાય તે માટે મોડા કુરિયર કરવાનો નિર્ણય લેવાયો હતો.
પણ જો કોઈને જરૂર હોય તો કુરિયર ઓપ્શન પસંદ કર્યા છતાં તેને યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ અપાઈ જ રહ્યા છે. તંત્રના દાવાઓ વચ્ચે વિદ્યાર્થીઓ ચોંકાવનારા આક્ષેપ લગાવી રહ્યા છે. કેટલાંક વિદ્યાર્થીઓનો તો આરોપ છે કે યુનિવર્સિટીએ યોગ્ય રીતે જાણ ન કરતાં અનેક વિદ્યાર્થીઓ તો ડિગ્રી સર્ટી માટેનું ફોર્મ પણ હજુ સુધી ભરી નથી શક્યા. તો ઘણીવાર ઓનલાઈન પ્રક્રિયામાં ખામી સર્જાતા તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ડિગ્રી સર્ટીફિકેટ અત્યંત મહત્વનું હોવા છતાં સર્ટીના નામે પાતળો કાગળ ફટકારી દેવાતો હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે.