ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરવા માટે 12 જાન્યુઆરી અંતિમ તારીખ છે, પરંતુ હજુ સુધી ભારતે ટીમની જાહેરાત કરી નથી. હવે રિપોર્ટ્સમાં ટીમની જાહેરાતને લઈને એક નવી વાત સામે આવી રહી છે. યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પહેલીવાર ODI ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. યુવા ખેલાડી વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સામેલ કરી શકાય છે. ટીમની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે.BCCI સિલેક્ટર્સ ઈંગ્લેન્ડ સામેની ઘરેલું સીરિઝ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની પસંદગી કરવા માટે બેઠક કરશે. જે 19મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર ટીમની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે.
હવે ટીમની જાહેરાત 17-18 જાન્યુઆરીએ કરવામાં આવી શકે છે. આ અંગે બીસીસીઆઈએ આઈસીસીને ખાસ વિનંતી કરી છે. ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં જ સીરિઝ સમાપ્ત થવાને કારણે BCCIએ ICC પાસે થોડો વધુ સમય માંગ્યો છે. જોકે, હવે બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે પછી કેટલીક મહત્વની સ્પષ્ટતા ટીમ જાહેરાતને લઈને થઈ શકે છે. આ સાથે નવા ખેલાડીઓને વનડેમાં ડેબ્યુ કરવાની તક પણ મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પહેલીવાર ODI ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. 23 વર્ષીય યશસ્વીએ જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યા બાદ 19 ટેસ્ટ અને 23 T20 મેચ રમી છે અને તેણે સારું પ્રદર્શન કર્યું છે. જયસ્વાલની સાથે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
સુંદરે ઓગસ્ટ 2024માં શ્રીલંકા સામે ભારતની છેલ્લી ODI સીરિઝની ત્રણેય મેચ રમી હતી. તેમની પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ ભારત માટે ત્રણ T20 અને પાંચ ટેસ્ટ મેચમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. પરંતુ તેની વનડે ટીમમાં પસંદગી થવાની શક્યતા ઓછી છે. જો કે તે ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરિઝ માટે પોતાનું સ્થાન પાક્કું કરી શકે છે. જે 22મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની ODI અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે મજબૂત ઉમેદવાર છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, શમીને બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સની સ્પોર્ટ્સ સાયન્સ વિંગ તરફથી મંજૂરી મળી ગઈ છે. તેણે અત્યાર સુધી 101 ODI મેચમાં 195 વિકેટ લીધી છે.