B india અમાદાવાદ :- અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં હવે પ્રી-વેડિંગ શૂટ પણ કરી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્તવપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 2 દિવસ માટે પ્રી- વેડિંગ અને એડવર્ટાઇઝ શૂટ કરી શકાશે. જેના માટે સવાર અને સાંજ એમ બે સ્લોટ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિ-વેડિંગ શૂટિંગ માટે એક કલાકની રૂપિયા 25 હજાર અને એડવર્ટાઈઝિંગ કે ફિલ્મના શૂટિંગ માટે 3 કલાકની રૂપિયા 1 લાખ ફી નક્કી કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને 3 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવેલો ફ્લાવર શો 3 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી દ્વારા લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ફ્લાવર શોને મળતા અદ્ભૂત પ્રતિસાદને ધ્યાનમાં રાખીને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સાથે 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ ફ્લાવર શોમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવી શકાશે. પ્રિ વેડિંગ શૂટિંગ માટે સવારે 7થી 8 કલાક સુધીનો સ્લોટ આપવામાં આવશે. જેનો ચાર્જ રૂ. 25000 રહેશે. જેમાં વધુમાં વધુ 10 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે.
-> પ્રિ-વેડિંગ શૂટિંગ માટેનો ચાર્જ અને સમય? :- પ્રિ વેડિંગ શૂટિંગ માટે સવારે 7થી 8 વાગ્યા સુધી રૂ. 25000 તેમજ સાંજે 6થી 12 વાગ્યા સુધીના રૂ. 35000 રહેશે. એક દિવસના વધુમાં વધુ 15 બુકીંગ લેવામાં આવશે. વેબ સિરીઝ તેમજ મુવી કે એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટેનો સમય સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે. જેનો ચાર્જ રૂ. 1 લાખ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં વધુ 25 લોકોને પ્રવેશ આપવામાં આવશે. વેબ સિરીઝ તેમજ મુવી અને એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટે 3 કલાકનો સ્લોટ અને પ્રતિદિન વધુમાં વધુ પાંચ બુકિંગ લેવામાં આવશે. પ્રિ-વેડિંગ શૂટિંગ માટે, વેબ સિરીઝ તેમજ મુવીઝ અને એડવર્ટાઇઝમેન્ટના સ્લોટ બુકીંગ www.ahmedabadcity.gov.in પરથી બુક કરી શકાશે.