દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચની યોજના અનુસાર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન યોજાય તેવી સંભાવના છે. અને 17 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થવાની સંભાવના છે. ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 2 કલાકે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી ચૂંટણીની પ્રક્રિયા અને તેને લગતા પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
-> કેટલા મહિલા મતદાર, કેટલા પુરુષ મતદાર ? :- ECIએ સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી જાહેર કરી. આ યાદીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો નોંધાયેલા છે. જેમાં 84 લાખ 49 હજાર 645 પુરૂષ મતદારો છે જ્યારે 71 લાખ 73 હજાર 952 મહિલા મતદારો છે.
-> આગામી ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે :- દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 15 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા
ચૂંટણીની વાત કરીએ તો 2020માં દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાઈ હતી. તે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભારે જીત મેળવી હતી અને સરકાર બનાવી હતી. હવે જેમ જેમ કાર્યકાળની અંતિમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દિલ્હીમાં આગામી ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે.
-> કેજરીવાલ ફરીથી નવી દિલ્હીથી ચૂંટણી લડશે :- પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વખતે પણ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસના સંદીપ દીક્ષિત અને ભાજપના પ્રવેશ વર્મા સાથે છે. કેજરીવાલ હંમેશા આ સીટ પરથી ચૂંટણી લડ્યા છે અને અહીં તેમની મજબૂત પકડ છે.
-> સીએમ આતિશી કાલકાજીથી ચૂંટણી લડી રહ્યા છે :- નવી દિલ્હી સીટને વીઆઈપી સીટ ગણવામાં આવે છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના અગ્રણી નેતાઓને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બની છે. બીજી તરફ, મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં તેમનો મુકાબલો કોંગ્રેસની અલકા લાંબા અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ રમેશ બિધુરી સાથે થશે.