B India સુરત : આવતા વર્ષે માર્ચમાં શરુ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ -2025 (IPL) અગાઉ હોમ ટીમ ગુજરાત ટાઈટન્સ તારીખ 12 થી 17 જાન્યુઆરી દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પ્રિ-સિઝન કેમ્પનું આયોજન કરશે.આ કેમ્પ દરમિયાન જે તે સમયે કોઈ ટુર્નામેન્ટ કે લીગમાં ભાગ ન લેનાર ખેલાડીઓની સાથે ટીમના કોચિંગ અને મેનેજમેન્ટ સ્ટાફ હાજર રહેશે. સાંજે ખેલાડીઓના મુખ્ય મેદાન પર તેમના પ્રેક્ટિસ સેશન રહેશે અને તેઓ મેરિયોટ હોટલમાં રોકાશે.જાણવા મળ્યું છે કે, તેની લાલ માટીની પીચ અને અમદાવાદ અને મુંબઈની પીચ જેવી જ બાઉન્સ ધરાવતી આ સ્થળની પસંદગી આઇસીસીના ચેરમેન જય શાહની ભલામણને આધારે કરવામાં આવી હતી.
આ પહેલા માર્ચ 2022માં પણ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પોતાનો કેમ્પ યોજ્યો હતો.સુકાની શુબમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ ટીમમાં જોસ બટલર, કુમાર કુશાગરા, અનુજ રાવત, શેરફેન રુથરફોર્ડ, ગ્લેન ફિલિપ્સ, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, સાઇ કિશોર, જનાત, સાઇ સુધરસન, શાહરૂખ ખાન, કેગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિધ કૃષ્ણા, માનવ સુથાર, ગેરાલ્ડ કોએત્ઝી, ગુરનૂર સિંહ બ્રાર, ઇશાંત શર્મા, કુલવંત ખેજરોલિયા, રાહુલ તેવતિયા અને રાશિદ ખાનનો સમાવેશ થાય છે.
વિજય હઝારે ટ્રોફી ચાલી રહી છે અને તેની ક્વાર્ટર ફાઈનલ તારીખ 12મી જાન્યુઆરીથી શરુ થવાની છે, ત્યારે આ કે અન્ય કોઈ ટુર્નામેન્ટનો ભાગ ન હોય તેવા ખેલાડીઓની સાથે સાથે જે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની મેચો નિર્ધારિત ન હોય તેઓ પણ આ કેમ્પમાં જોડાશે. જ્યારે કોચિંગ અને મેનેજમેન્ટ સ્ટાફમાં પાર્થિવ પટેલ, વિક્રમ સોલંકી, સત્યજીત પરબ, અને આશિષ નેહરા સામેલ હશે. શુભમન ગિલ અને રાશિદ ખાન જેવા સ્ટાર ખેલાડીઓ પણ આ કેમ્પનો ભાગ બનશે.