*૧૨મો આંતરાષ્ટ્રીય યોગ દિવસ – અમદાવાદ શહેર

શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ પર યોગ દિવસની ઉજવણી

***
*અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત યોગ દિવસ ઉજવણીમાં અમદાવાદીઓ ઉત્સાહભેર સામેલ થયા*
***
*ભાગદોડવાળી જિંદગીમાં રોગોથી બચવા, માનસિક એકાગ્રતા કેળવવા અને શરીરને સુદ્રઢ રાખવા માટે નિયમિત યોગ અનિવાર્ય :-શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા*
***
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘Yoga for Healthy Aging’ – એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ ની થીમ પર ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.

શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, લોકસભા સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ તથા પદાધિકારીઓ, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસ કાર્યક્રમમાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ યોગ આસનો કર્યા હતા.

સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં કોલકાતાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માણસા ખાતેથી રાજ્યકક્ષાના કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ઉદબોધનનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે યોગ એ આપણી પ્રાચીન ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો અણમોલ હિસ્સો છે. આપણા ઋષિમુનિઓએ આ અદભુત વિદ્યા સમગ્ર દુનિયાને આપી છે, જેને વૈશ્વિક ફલક ઉપર લઈ જવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.
વર્ષ ૨૦૧૪માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) સમક્ષ વિશ્વના લોકોને યોગ અને આયુર્વેદ અપનાવવા અપીલ કરી હતી, જેના જ પરિણામે આજે સમગ્ર વિશ્વ ૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના આહવાનને આજે દેશ અને દુનિયાના નાગરિકોએ સ્વીકારીને ચરિતાર્થ કર્યું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજની ભાગદોડવાળી જિંદગીમાં જો આપણે આપણા શરીરનું ધ્યાન ન રાખીએ તો અનેક રોગોનો ભોગ બનવું પડે છે. બદલાતી જીવનશૈલીને કારણે નાના બાળકોથી લઈને મોટા વડીલોમાં હૃદયરોગ અને શ્વસનતંત્રની તકલીફો વધી રહી છે. વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને ખાણી-પીણીમાં સુધારો કરવા અને નિયમિત યોગ કરવા આહવાન કર્યું છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ ન્યાયે જો આપણે આપણી જીવનશૈલી સુધારવી હશે, શારીરિક તંદુરસ્તી મેળવવી હશે અને માનસિક એકાગ્રતા વધારવી હશે તો યોગને દિનચર્યામાં વણી લેવો જ પડશે, એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી નેતૃત્વમાં આજે સમગ્ર વિશ્વમાં યોગ રોજિંદા જીવનનો ભાગ રહ્યો છે એમ જણાવીને શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અમદાવાદ શહેરમાં પણ ઉત્સાહનો માહોલ છે. પ્રહલાદનગર ગાર્ડન ખાતે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા છે, જ્યારે અમદાવાદમાં વિવિધ સ્થળોએ કુશળ યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ ૧૨,૦૦૦થી વધુ નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા છે.
મંત્રીશ્રીએ અમદાવાદના નગરજનો સહિત સૌને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવીને સૌને યોગને કાયમી જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.

સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર અને શ્રી રમ્ય ભટ્ટ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

******

Related Posts

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હર્ષ સંઘવીએ પ્રહલાદનગર ગાર્ડન ખાતે કર્યો યોગાભ્યાસ

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હર્ષ સંઘવીએ પ્રહલાદનગર ગાર્ડન ખાતે કર્યો યોગાભ્યાસ અમદાવાદ: સમગ્ર વિશ્વ આજે યોગના રંગે રંગાયું છે. આજે 21મી જૂનના રોજ…

૧૨મો આંતરાષ્ટ્રીય યોગ દિવસ: સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદીઓનો અભૂતપૂર્વ ઉત્સાહ

‘Yoga for Healthy Aging’ થીમ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભવ્ય આયોજન; મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ મુખ્ય આકર્ષણો: રિવરફ્રન્ટ પર ભવ્ય ઉજવણી: શહેરી…