મોરબી જિલ્લાના મેઘપર ઝાલા ગામમાં જમીન માપણીના વિવાદને લઈને ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, જમીન સંબંધિત વિવાદ ઉગ્ર બનતા કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને તંગદિલીનો માહોલ સર્જાયો છે.
મૃતકોની ઓળખ જયપાલસિંહ ઝાલા અને હર્ષવર્ધનસિંહ ઝાલા તરીકે થઈ છે. જાણવા મળતી વિગતો મુજબ, વાડી વિસ્તારમાં જમીન માપણીને લઈને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલતા હતા. સોમવારે આ મુદ્દે ફરીથી બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ઝઘડો હિંસક સ્વરૂપ ધારણ કરતાં બંનેની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
ડબલ મર્ડરની ઘટનાની ખબર ફેલાતાં ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે સ્વજનો, સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને લઈને ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જરૂરી પગલાં લીધાં છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હત્યાના ચોક્કસ કારણો, ઘટનાક્રમ અને તેમાં સંડોવાયેલા આરોપીઓ અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે.
જમીન વિવાદને લઈને બનેલી આ ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર મોરબી જિલ્લામાં ચકચાર મચાવી છે. સ્થાનિક લોકોમાં પણ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે, જ્યારે મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





