મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસા પહેલા જ જળસંચયના કામોના આગોતરા આયોજન કરીને વરસાદી પાણીના વધુને વધુ સંચય તથા સંગ્રહથી જળસંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જિલ્લા કલેકટરોને આહવાન કર્યું છે. રાજ્યમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ભારત સરકારના જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એ આ આહવાન કર્યું હતું
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને વિભાગના સચિવ કાન્તારાવ તથા કેન્દ્ર સરકારના અન્ય અધિકારીઓ દિલ્હીથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ અને વરિષ્ઠ સચિવો ગાંધીનગરથી આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા
રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જિલ્લાના કલેકટરોના પ્રેઝન્ટેશન સહિત વિવિધ જિલ્લા કલેકટરોએ પોતાના ક્ષેત્રોમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની પ્રગતિ તેમજ આગામી આયોજનની વિસ્તૃત વિગતો આ વિડિયો કોન્ફરન્સમાં પૂરી પાડી હતી. મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠકમાં કહ્યું કે, ભવિષ્યના પડકારોનો સામનો કરીને તેનું સોલ્યુશન આપવાનું માર્ગદર્શન આપણને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપને પરિણામે મળતું થયું છે. તેમણે કેચ ધ રેઈન અભિયાન અને જળસંચય માટેની જે રાષ્ટ્રવ્યાપી મુહિમ ચલાવી છે તેનો વધુને વધુ લાભ ગુજરાતને મળે તેના પર આપણું ફોકસ છે તેમ મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેકટરો પોતાના જિલ્લાઓમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો ભવિષ્યનો વિચાર કરીને બનાવે તેની પ્રેરણા આપતા કહ્યું કે, આ બધા એવા લોકહિત કામો છે જેનાથી ફરજ નિભાવવાના કાર્ય સંતોષ સાથે આત્મસંતોષ પણ મળે છે. રાજ્યના જિલ્લાઓમાં જળ સંચય-જન ભાગીદારી અભિયાનના કામોની હેલ્ધી કોમ્પિટિશન થાય અને જે જિલ્લાઓમાં જળસંચયની કામગીરી ઓછી થઈ છે તેને પણ વધુ કામો કરવાનું બળ મળે તેવા વાતાવરણની મુખ્યમંત્રી એ હિમાયત કરી હતી.
જુના બોર રિચાર્જ કરવાના 90 ટકા પૈસા કેન્દ્ર સરકાર આપશે
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળસંચય-જળ સંગ્રહના કામો માટે ફાળવેલી છે તેનો પણ ઉપયોગ જિલ્લાઓમાં જળસંચયના કામો માટે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. મુખ્યમંત્રી એ કેન્દ્ર સરકાર દ્વારા જળસંચય જન ભાગીદારી યોજના અંતર્ગત રાજ્યને ફાળવાયેલી 553 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સહાયનો સંપૂર્ણ ઉપયોગ માર્ચ-26 પહેલા થઈ જાય તે માટે જળસંચયના વ્યાપક કામો ત્વરાએ હાથ ધરવા આ બેઠકમાં તાકીદ કરી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું કે, જળસંચય-જળસંગ્રહ ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરી દેશમાં મોડેલ રૂપ બની છે. જુના બોર રિચાર્જ કરવાના 90 ટકા પૈસા કેન્દ્ર સરકાર આપે તેવો જે નિર્ણય કર્યો છે તેનાથી મોટો ફાયદો થયો છે તેમ પણ જણાવીને કેન્દ્રીય મંત્રી એ જળસંચયના કામોમાં NGOsને વધુ જોડવા માટે યાદી બનાવીને તેમને મોટીવેટ કરવા પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન ના દિશા દર્શનમાં અમલી થનારી વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ) યોજનામાં જે ફંડ મળશે તેના 40 ટકા જળસંચય-જળસંગ્રહના કામો માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ઉદારતમ જોગવાઈ કરવામાં આવેલી છે. પાટીલે આ યોજનામાં સમયસર અને આયોજન બદ્ધ રીતે પૈસા વપરાય તેનું માર્ગદર્શન આપતા જણાવ્યું કે, સાયન્ટિફિક પદ્ધતિથી વોટર સ્ટ્રક્ચર બનાવીને જળસંચય-જળસંગ્રહ ક્ષમતામાં ઉત્તરોત્તર વધારાથી વડાપ્રધાન એ આપેલો જળ સુરક્ષા-જળ આત્મ નિર્ભરતાનો સંકલ્પ પાર પાડી શકાશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી એ ચાલુ વર્ષે જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાન હેઠળ આગામી તા.31 મે 2026 સુધીમાં રાષ્ટ્રવ્યાપી એક કરોડથી વધુ જળસંગ્રાહક સ્ટ્રક્ચરો બાંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે તેની ભૂમિકા આપતા ગુજરાતમાં જળ સંચયના મહત્તમ કામો આગામી ચોમાસા પહેલા પૂરા કરવા સુચન કર્યુ હતું.
ભાગીદારીથી ગુજરાતમાં કુલ 1,33,522 જળ સંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા
જળ સંચય જન ભાગીદારી 1 અભિયાન હેઠળ ગુજરાતમાં કુલ 1,33,522 જળ સંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. રેઈન વોટર હાર્વેસ્ટીંગ, રીચાર્જ ટ્યુબવેલ, તળાવ ઉંડા કરવા, ખેત તલાવડી, ફિલ્ટર વેલ વગેરે જેવા જળ સંચયના કામો થવાથી ભુગર્ભ જળ રીચાર્જમાં મોટો ફાયદો થયો છે તેની પણ સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.મુખ્ય સચિવ એમ. કે. દાસે જળસંચય-જન ભાગીદારી અભિયાન 2.0ની ઉજ્વળ સફળતા માટે સૌ જિલ્લા કલેકટરોને મિશન મોડમાં કાર્યરત થવાનું સૂચન આ બેઠકમાં કર્યું હતું. આ સમીક્ષા બેઠકમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, મુખ્યમંત્રી ના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજયકુમાર તથા જળ સંપત્તિ સચિવ પી. સી. વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






