જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કડક પગલું ભર્યું છે. ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ એવા માલ પર પણ લાગુ પડશે જે મુક્તપણે આયાત કરી શકાય છે અથવા અન્યથા પરવાનગી આપવામાં આવે છે, તેમજ ત્રીજા દેશોમાંથી પસાર થતા માલ પર પણ લાગુ પડશે.
પાકિસ્તાન સાથે આયાત-નિકાસ પર પ્રતિબંધ હોવાથી પાકિસ્તાનને વધુ આર્થિક નુકશાન થશે. બંને દેશો વચ્ચે પહેલાથી જ મર્યાદિત વેપાર સંબંધો છે જે હવે સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. પાકિસ્તાનથી ભારતની આયાતમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, મસાલા અને કેટલીક ખાદ્ય ચીજોનો સમાવેશ થતો હતો, જે હવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. નિષ્ણાતો માને છે કે આ પગલાની પાકિસ્તાનના અર્થતંત્ર પર ઊંડી અસર પડશે, ખાસ કરીને ખાદ્યપદાર્થોની અછત અને વધતી જતી ફુગાવાના સ્વરૂપમાં થશે.
2019થી વેપાર સંબંધો બગડ્યા હતા
2019 માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી ભારતે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો પહેલાથી જ પ્રતિબંધિત કરી દીધા હતા, અને હવે આ પ્રતિબંધ તે દિશામાં વધુ એક કઠિન પગલું છે.
પહેલગામ હુમલાથી તણાવ વધ્યો
પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આ આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી. જોકે પાછળથી તેઓએ જવાબદારીનો ઇનકાર કર્યો હતો. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું અને તેના જવાબમાં અનેક કડક પગલાં લીધાં, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી-વાઘા સરહદ બંધ કરવી અને પાકિસ્તાની રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિણર્ય કર્યો હતો. હવે વેપાર ક્ષેત્રે પાકિસ્તાનની મુશ્કેલી વધી શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








