અમરેલીના જાણીતા સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયા દ્વારા શહેરના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે. તેઓએ દાવો કર્યો છે કે નારણ કાછડીયા હવે કોઈ પણ શાસકીય હોદ્દા પર નથી, તેમ છતાં પોતાની ફોર વ્હીલ ગાડી પર “સાંસદ” લખેલી નંબર પ્લેટ લગાવીને મોટર વિહિકલ એક્ટની અવગણના કરી રહ્યા છે.
ગાડીમાં “સાંસદ”ની પ્લેટ લાગેલી હોવાનો આક્ષેપ
નાથાલાલ સુખડિયા અનુસાર, નારણ કાછડીયા હાલમાં સાંસદ ન હોવા છતાં ગાડીમાં “સાંસદ” લખેલી પ્લેટ લગાવી સત્તાનો ભ્રમ ઉભો કરી રહ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે આવા કૃત્યથી સામાન્ય નાગરિકોમાં ગેરસંદેશ જાય છે અને તે કાયદાની સીધી ઉલ્લંઘના છે.
અધિકારીઓને રજૂઆત માંગ : પ્લેટ દૂર કરી કાયદેસર કાર્યવાહી થાય
સુખડિયાએ આ મામલે અમરેલી ટ્રાફિક વિભાગ અને જિલ્લાના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. તેઓએ માગણી કરી છે કે :
તાત્કાલિક રીતે નારણ કાછડીયા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ગાડીમાંથી “સાંસદ”ની પ્લેટ દૂર કરવામાં આવે
મોટર વિહિકલ એક્ટ મુજબ લાયસન્સ રદ્દ અથવા દંડની કાર્યવાહી કરવામાં આવે
જો 7 દિવસની અંદર કોઈ પગલાં ન લેવાય, તો તેઓ કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેસશે, તેવી ચીમકી આપી છે
નાથાલાલ સુખડિયાનું નિવેદન
“નારણભાઈ હવે સાંસદ નથી, છતાં પણ ગાડીમાં ‘સાંસદ’ લખી રોફ જમાવે છે. આમ કરવું અયોગ્ય છે. સામાન્ય નાગરિક પણ જો આવી રીતે પોલિટીકલ પ્લેટ લગાવવાનો પ્રયાસ કરે તો તેમને તરત દંડ ફટકે. તો પછી વિઆઈપી માટે અલગ નિયમ કેમ?”
કાયદાકીય દ્રષ્ટિએ
મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ કોઈપણ નાગરિક પોતાનો હોદ્દો જાહેર કરતી નંબર પ્લેટ અથવા સ્ટિકર ગાડી પર મૂકતો હોય અને તે હકીકતમાં એ હોદ્દા પર ન હોય, તો તે ગુનાહિત કૃત્ય ગણાય છે. આવી સ્થિતિમાં દંડ, લાયસન્સ રદ્દ થવા સહિત કાયદેસર પગલાં લેવામાં આવી શકે છે.
આ મામલો માત્ર એક પ્લેટનો નથી, પરંતુ સત્તાના ભ્રમનો દુરુપયોગ અને સામાન્ય નાગરિકો માટે ઊભો થતો ઉદાહરણ છે. જો નાથાલાલ સુખડિયાની ચીમકી પ્રમાણે 7 દિવસમાં કોઈ કાર્યવાહી ન થાય, તો આંદોલનાત્મક માર્ગ દ્વારા તેઓ વલણ અપનાવશે એવું સ્પષ્ટ છે. હવે જુઓ કે તંત્ર કઈ રીતે પ્રતિક્રિયા આપે છે.








