
ગુજરાત વિધાનસભાના ગૃહમાં IAS અધિકારીઓની ભરતી અંગે એક મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રાજ્યમાં ખાલી પડેલી IAS પોસ્ટ્સ વિશે પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે એક મહત્વની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુજરાતમાં કુલ ૩૦ નવા IAS અધિકારીઓ જોડાશે. જેમાંથી ફેબ્રુઆરી ૨૦૨૫માં બઢતી દ્વારા ૨૦ અને પસંદગી દ્વારા ૨ અધિકારીઓનો સમાવેશ થશે, જ્યારે ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં સીધી ભરતી દ્વારા ૮ નવા IAS અધિકારીઓનો સમાવેશ થવાનો છે.

–: ગુજરાતમાં હાલની સ્થિતિ :–
ગુજરાત રાજ્યમાં IAS અધિકારીઓ માટે કુલ ૩૧૩ મંજુર પદો છે, જેમાં ૧૪ અધિકારીઓ કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર છે અને ૫૬ જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે IAS માળખાની સમીક્ષા અને નવા પદો વધારવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં સીધી ભરતીના IAS અધિકારીઓના સ્થાન ભરવાના પ્રમાણમાં દેશના સરેરાશ ૮૩.૩૯% ની સામે રાજ્યમાં ૮૪.૮૬% સ્થાન ધરાવે છે. બઢતી દ્વારા IAS ભરતીના પ્રમાણમાં પણ ગુજરાત ૭૮.૯૫% સાથે આગળ છે.
તેમણે ઉલ્લેખ કર્યો કે, ૧૯૯૨-૯૪ દરમિયાન તત્કાલીન કોંગ્રેસ સરકારે IAS ની સીધી ભરતી સ્થગિત કરી હતી, જેના કારણે આજે પણ ગુજરાતમાં IAS અધિકારીઓની અછત અનુભવાઈ રહી છે.રાજ્ય સરકારે IAS માળખાના વિસ્તરણ માટે કેન્દ્ર સરકારને નવા ૩૦ પદોની માંગણી કરી છે, જેથી પ્રશાસન વધુ મજબૂત બને અને લોકોને વધુ સારી શાસન વ્યવસ્થા મળી શકે.







