પાટણની SOGની ટીમે સિદ્ધપુરના રસુલપૂર ગામેથી બોગસ ડોકટરને ઝડપી પાડ્યો છે. SOGની ટીમને બાતમી મળી હતી કે, રસુલપુર ગામમાં દવાખાનું ચલાવનાર ડોક્ટર પાસે ડિગ્રી નથી છતાં દર્દીઓની સારવાર કરી રહ્યો છે. SOGની ટીમે દવાખાના પર દરોડા પાડી મેડિકલ સાધનો સહિત કુલ 3211નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડોક્ટર પાસે ડિગ્રીનું સર્ટિફિકેટ માગતા આ શખ્સ બોગસ તબીબ હોવાનો પર્દાફાશ થયો હતો.
બોગસ ડોક્ટરના દવાખાના પર રેડ:- મળતી માહિતી મુજબ, પાટણના સિદ્ધપુરમાં SOGની ટીમને ડિગ્રી વગરના ડોક્ટર દર્દીઓની સારવાર કરતી હોવાની ફરિયાદ મળી હતી. જેના બાદ SOGએ પોતાના બાતમીદારોને સક્રિય કર્યા અને રસુલપુરમાં બની બેઠેલા બોગસ ડોક્ટરના દવાખાના પર રેડ પાડી હતી. બોગસ ડોકટર પાસે કોઈ પણ જાતની ડિગ્રી ના હોવા છતાં બીમાર દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું સામે આવ્યું હતું. દર્દીઓના જીવ જોખમમાં મૂકનાર બોગસ ડોક્ટર અસકરઅલી ગુલામહુસેનને ઝડપી પાડ્યો હતો.
SOGની ટીમે જપ્ત કર્યો સામાન:- બોગસ ડોક્ટરના દવાખાના પર પાડેલ દરોડામાં SOGની ટીમ ઈન્જેક્શનો, દવાઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રસુલપુર ગામમાં ડોક્ટર બની બેઠેલા કહેવાતા શખ્સે દર્દીઓની સારવાર કરતા તેમને ઇન્જેકશનો અને એન્ટીબાયોટકિ દવાઓ આપી હતી. દવાખાનામાંથી મળેલ તમામ મેડિકલ સાધનોની તપાસ કરવામાં આવશે. બોગસ ડોક્ટર દ્વારા દર્દીઓને અપાતી દવાઓ કઈ કંપનીની છે તેની ખાસ તપાસ થશે. કારણ કે ચોક્કસ કંપનીને ફાયદો કરાવવા છેવાડાના વિસ્તારમાં આવા બોગસ ડોક્ટર પોતાનો ધંધો ચલાવવા લાગ્યા છે.






