B INDIA ગાંધીધામ : કચ્છનાં ગાંધીધામમાં ગેરકાયદેસર દબાણ હટાવવા નોટિસ આપ્યા બાદ આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના માર્ગો પહોળા બને અને દબાણોને હટાવાય તે માટે ગાંધીધામ અને આદિપુરમાં 3000થી વધુ લોકોને દબાણ સ્વેછાએ હટાવી લેવા નોટિસ આપી હતી. જે સમયમર્યાદામાં નહીં હટાવવામાં આવે તો મનપા દબાણ હટાવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ગાંધીધામ મનપામાં અત્યાર સુધી લગભગ 3000થી વધુ દબાણકારોને નોટિસ આપવામાં આવી છે. મનપામાં આવતા વિસ્તારો પૈકીના ગાંધીધામ શહેર અને આદિપુર શહેરમાં આ નોટિસો હાલ અપાઈ છે. જેમાં સમયગાળો પણ આપવામાં આવ્યો હતો. જે બાદ ખાસ કરીને આદિપુરમાં લોકો દ્વારા સ્વેછાએ દબાણ હટાવવાનું શરૂ પણ કરી નાખ્યું હતું અને ગાંધીધામમાં પણ ઘણા લોકો સ્વછાએ દબાણ હટાવતા જોવા મળ્યા છે.
ગાંધીધામ મનપા દ્વારા દબાણ હટાવવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આદિપુરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ઘોડા ચોકડીથી ઓમ મંદિર સુધીના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવાચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. આગામી સમયમાં બાકી રહેતા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે.
આ કામગીરી બંને શહેરોમાં માર્ગોને પહોળા કરવા માટે થઈ રહી છે. દરમિયાન થોડા દિવસો પહેલા ગાંધીધામમાં સુંદરપૂરી, અપના નગર વગેરે વિસ્તારમાં નોટિસ આપવામાં આવી હતી. જે અંતર્ગત અમુક લોકોએ દબાણો હટાવી પણ લીધા હતા અને જેના હવે બાકી રહી ગયા છે તેમણે મનપા હટાવશે. જે માટેની કામગીરી શરુ કરી દેવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.








