23 જાન્યુઆરીએ દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ વચ્ચે ફરી એકવાર નેતાજીના મૃત્યુ અને તેમના અસ્થિઓને લઈને ચર્ચા તેજ બની છે. નેતાજીની દીકરી અનિતા બોઝ ફાફે જાપાનના રેનકોજી મંદિરમાં રાખવામાં આવેલી અસ્થિઓને ભારત પરત લાવવાની માંગ કરી છે.
અનિતા ફાફે અને તેમના પરિવારના અનેક સભ્યોનું માનવું છે કે, રેનકોજી મંદિરમાં રાખવામાં આવેલી અસ્થિઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના જ અવશેષો છે. ફાફેએ જણાવ્યું કે, ભારતની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનાર નેતાજીના અવસાનના 80 વર્ષ બાદ અને આઝાદીના 78 વર્ષ પછી પણ તેમના અવશેષો વિદેશમાં હોવું દુઃખદ છે.
નેતાજીના અવશેષોની સન્માનજનક વાપસીની માગ
એર ન્યૂઝ એજન્સીને આપેલા નિવેદનમાં અનિતા ફાફેએ જણાવ્યું કે, “હું નેતાજીને સન્માન આપનારા તમામ ભારતીયોને તેમના અવશેષોને અંતિમ અને યોગ્ય સંસ્કાર માટે ભારત પરત લાવવાનું સમર્થન કરવા વિનંતી કરું છું.” નેતાજીના ભાઈ શરત બોઝની પૌત્રી માધુરી બોઝે પણ જણાવ્યું કે, પરિવાર દ્વારા અસ્થિઓની વાપસી સાથે-DNA ટેસ્ટ કરવાની માગ કરવામાં આવી રહી છે, જેથી આ અવશેષો નેતાજીના જ હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ શકે.
કેવી રીતે થયું હતું નેતાજીનું મૃત્યુ?
આઝાદ હિંદ ફોજના કર્નલ હબીબુર રહેમાન સહિત અનેક પ્રત્યક્ષદર્શીઓએ તપાસ કમિશન સમક્ષ જણાવ્યું હતું કે, ઓગસ્ટ 1945માં તાઈપેઈમાં થયેલી વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું હતું. જોકે, વર્ષો દરમિયાન એવી અનેક થિયરીઓ પણ સામે આવી હતી કે નેતાજી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા નહોતા, અથવા તેઓ વેશ બદલીને ભારતમાં જીવતા રહ્યા હતા, કે પછી રશિયાની જેલમાં તેમનું મૃત્યુ થયું હતું.
DNA ટેસ્ટ માટે અગાઉ પણ કરી હતી માગ
માધુરી બોઝે જણાવ્યું કે, અનિતા ફાફે સહિત પરિવારના ત્રણ સભ્યોએ 2016 અને 2019માં કેન્દ્ર સરકારને પત્ર લખીને રેનકોજી મંદિરની અસ્થિઓનો DNA ટેસ્ટ કરાવવાની માગ કરી હતી, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ નિર્ણય લેવાયો નથી.
વિમાન દુર્ઘટનાની ઘટના
અનિતા ફાફેએ નેતાજીના જીવન સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું કે, જાપાનની શરણાગતિ બાદ નેતાજી સિંગાપોરથી ટોક્યો જવા માટે રવાના થયા હતા, પરંતુ 18 ઓગસ્ટ 1945ના રોજ તાઈપેઈમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.
દુર્ઘટનામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. શરૂઆતમાં બચી ગયા હતા, પરંતુ તે જ દિવસે તેમનું અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર તાઈપેઈમાં કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમની અસ્થિઓ ટોક્યોના રેનકોજી મંદિરમાં રાખવામાં આવી હતી, જ્યાં આજે પણ તે સુરક્ષિત રાખવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






