US ફેડની નવી ટાસ્ક ફોર્સમાં 3 ભારતીય મૂળના નિષ્ણાતોને સ્થાન, પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજન પણ સામેલ

અમેરિકન ફેડરલ રિઝર્વ (US Federal Reserve)એ પોતાની મોનેટરી પોલિસીની સમીક્ષા માટે પાંચ મહત્વપૂર્ણ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ નવી ટીમમાં ભારતીય મૂળના ત્રણ જાણીતા નિષ્ણાતોને સ્થાન મળ્યું છે. તેમાં ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટી અને માઇક્રોસોફ્ટના સિનિયર એક્ઝિક્યુટિવ આશા શર્માનો સમાવેશ થાય છે.

ફેડના નવા ચેરમેન કેવિન વાર્શના નેતૃત્વ હેઠળ રચાયેલી આ ટાસ્ક ફોર્સો મોનેટરી પોલિસીના વિવિધ પાસાઓની સમીક્ષા કરીને ભવિષ્ય માટે વધુ અસરકારક નીતિ ઘડવાની દિશામાં કામ કરશે.

  • રઘુરામ રાજનને બેલેન્સ શીટ પોલિસીની જવાબદારી
    પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનને બેલેન્સ શીટ પોલિસી ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પેનલ ફેડરલ રિઝર્વની વર્તમાન બેલેન્સ શીટ વ્યવસ્થાના ખર્ચ, લાભ અને લાંબા ગાળાની સંસ્થાકીય અસરોનું મૂલ્યાંકન કરશે. આ ટાસ્ક ફોર્સમાં હાર્વર્ડ યુનિવર્સિટીની અર્થશાસ્ત્રી કરેન ડાયનન અને ફેડના પૂર્વ ગવર્નર જેરેમી સ્ટીન પણ સામેલ છે. વૈશ્વિક અર્થતંત્ર અને મોનેટરી પોલિસી અંગેનો રાજનનો અનુભવ આ સમિતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
  • રાજ ચેટ્ટીને ડેટા ટાસ્ક ફોર્સમાં સ્થાન
    હાર્વર્ડ યુનિવર્સિટીના જાણીતા અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટીની નિમણૂક ડેટા ટાસ્ક ફોર્સમાં કરવામાં આવી છે. આ સમિતિનો મુખ્ય હેતુ ફેડરલ રિઝર્વના નીતિગત નિર્ણયોમાં ઉપયોગમાં લેવાતા આર્થિક ડેટાની ગુણવત્તા, વિશ્વસનીયતા અને સમયસર ઉપલબ્ધતા વધારવાનો રહેશે. રાજ ચેટ્ટી રિયલ-ટાઇમ ડેટા, આર્થિક અસમાનતા, રોજગાર બજાર અને ઇકોનોમિક મોબિલિટી પરના પોતાના સંશોધન માટે વિશ્વભરમાં જાણીતા છે.

આશા શર્મા પ્રોડક્ટિવિટી અને જોબ્સ ટાસ્ક ફોર્સમાં
માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને Xboxના CEO આશા શર્માને પ્રોડક્ટિવિટી એન્ડ જોબ્સ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પેનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહિત નવી પેઢીની ટેક્નોલોજીનો રોજગાર, ઉત્પાદકતા અને અમેરિકન અર્થતંત્ર પર પડતા પ્રભાવનું વિશ્લેષણ કરશે. ટેક્નોલોજી ક્ષેત્રમાં આશા શર્માનો લાંબો અનુભવ આ સમિતિ માટે ઉપયોગી માનવામાં આવી રહ્યો છે.

અન્ય મહત્વપૂર્ણ ટાસ્ક ફોર્સ

  • ફેડરલ રિઝર્વે અન્ય બે મહત્વપૂર્ણ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે.
    કોમ્યુનિકેશન ટાસ્ક ફોર્સ નીતિગત નિર્ણયોની જાહેર સંવાદ પ્રક્રિયાની સમીક્ષા કરશે. તેનું નેતૃત્વ પીટર આર. ફિશર, અરમિનિયો ફ્રાગા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના પૂર્વ ગવર્નર મર્વિન કિંગ કરશે. જ્યારે ઇન્ફ્લેશન ફ્રેમવર્ક ટાસ્ક ફોર્સ અમેરિકામાં મોંઘવારીને સમજવા અને તેનો સામનો કરવા માટે અપનાવવામાં આવતી નીતિઓની સમીક્ષા કરશે. આ પેનલમાં ગ્રેગ મેનક્યુ, નોબેલ વિજેતા થોમસ સાર્જન્ટ અને વિલિયમ વ્હાઇટ જેવા અગ્રણી અર્થશાસ્ત્રીઓ સામેલ છે.
  • કેવિન વાર્શે શું કહ્યું?
    ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વાર્શે જણાવ્યું કે, અમેરિકન અર્થતંત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે અને આ બદલાતી પરિસ્થિતિમાં મોનેટરી પોલિસીના સાધનો, વિશ્લેષણ અને નિર્ણય પ્રક્રિયાની સમીક્ષા કરવી જરૂરી બની છે. તેમણે કહ્યું કે, આ ટાસ્ક ફોર્સોનો મુખ્ય હેતુ ફેડરલ રિઝર્વને ભવિષ્યના આર્થિક પડકારો માટે વધુ સક્ષમ અને અસરકારક બનાવવાનો છે, જેથી તે પોતાના નાણાકીય અને આર્થિક લક્ષ્યો વધુ સારી રીતે હાંસલ કરી શકે.

 

 

 

  • Related Posts

    ભારતનો મોટો નિર્ણય: હવે બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલી વિદેશી ચીજવસ્તુઓની આયાત પર લાગશે પ્રતિબંધ

    ભારત સરકારે વિદેશ વ્યાપાર નીતિ (Foreign Trade Policy-FTP) 2023માં મહત્વપૂર્ણ સુધારો કરીને બળજબરીપૂર્વકની મજૂરી (Forced Labour)થી બનેલી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાની કાનૂની જોગવાઈ કરી છે. આ નિર્ણયને વૈશ્વિક માનવાધિકારના…

    અમેરિકાના હુમલા બાદ ઈરાનમાં અફરાતફરી, કેન્સર હોસ્પિટલમાંથી 211 બાળકોને ખસેડાયા

    મિડલ ઈસ્ટમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલો વચ્ચે ઈરાનમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઈરાનના અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાની…