અમદાવાદ ખાતે ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ભવ્ય પ્રારંભ, જાણો દર્શનનો સમય

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે અમદાવાદના વટવા ખાતે ભવ્ય ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ઉત્તરકાશીની 1500 વર્ષ જૂની શક્તિ પરંપરાની દિવ્ય પ્રેરણાથી તૈયાર કરાયેલ આ 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું વિશાળ ત્રિશૂલ આગામી સમયમાં અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે, જે અંબાજીના પવિત્ર યાત્રાધામની ભવ્યતામાં વધારો કરતું એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પાલનપુર અને દાંતાના રસ્તે આવતો પવિત્ર ત્રિશૂલિયા ઘાટ પગપાળા આવતા માઈભક્તો માટે ઘણો દુર્ગમ રહ્યો છે અને ત્યાં અકસ્માતો જેવી અડચણો પણ આવતી હોય છે. આ સ્થળની વિશેષતા જાળવવા ઉત્તરકાશીમાં સ્થિત 1500 વર્ષથી વધુ જૂના પવિત્ર શક્તિ ત્રિશૂલની પ્રતિકૃતિ અહીં પ્રસ્થાપિત કરવાનો વિચાર જય ભોલે ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ હેતુથી ગ્રુપની ટીમ દ્વારા ઉત્તરકાશીના મહંત ની રૂબરૂ મુલાકાત લઈ પરવાનગી મેળવવામાં આવી છે. આધ્યાત્મિક મર્યાદાના ભાગરૂપે ઉત્તરકાશીના ૧૮ ફૂટના ત્રિશૂલની સામે અંબાજીમાં 16 ફૂટનું ત્રિશૂલ સ્થાપિત કરવામાં આવશે, જે અંબાજી શક્તિપીઠમાં શક્તિ ઉપાસકો માટે આસ્થાનું વધુ એક કેન્દ્ર બનશે.

કલેક્ટર મિહિર પટેલે જય ભોલે ગ્રુપની નિસ્વાર્થ કામગીરીને બિરદાવતા ઉમેર્યું હતું કે, આ ગ્રુપ અંબાજી ટ્રસ્ટ સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે જોડાયેલું છે. અંબાજી મંદિરમાં વડાપ્રધાન ના હસ્તે પ્રસ્થાપિત વિશ્વના સૌથી મોટા ‘યંત્ર’નું નિર્માણ પણ જય ભોલે ગ્રુપ દ્વારા જ કરવામાં આવ્યું હતું. માતાજીના શૃંગારથી લઈને વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં ગ્રુપનો સહયોગ અનન્ય રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

ત્રિશૂલિયા ઘાટ પર આ નવું આસ્થાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે
આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલે આ ભગીરથ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, આજે જ્યારે ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં વ્યસ્તતા વધી છે, ત્યારે અંબાજીના ગૌરવશાળી ઇતિહાસ અને મહિષાસુર મર્દિનીની કથાને લોકો સુધી પહોંચાડવામાં આ નવીન પ્રકલ્પ મહત્વનું સાબિત થશે. અંબાજી મંદિર અને ગુજરાત સરકારના પ્રયાસોથી જે રીતે ત્રિશૂલિયા ઘાટ પર આ નવું આસ્થાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, તેનાથી લોકોમાં ધાર્મિક જાગૃતિ આવશે. જે સ્થળ અગાઉ અકસ્માત ઝોન તરીકે જાણીતું હતું, ત્યાં હવે આ દિવ્ય ત્રિશૂલની સ્થાપના થવાથી તે એક પવિત્ર દર્શનના સ્થળ તરીકે ઉભરી આવશે.

જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલે ત્રિશૂળના પૌરાણિક મહત્વ અને સ્થાપનાના ઉદ્દેશ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ત્રિશૂળ ઉત્તરકાશીમાં સ્થિત માતા જગદંબા દ્વારા સ્વયં સ્થાપિત કરાયેલા 1500 વર્ષથી વધુ પ્રાચીન અને દિવ્ય શક્તિ ત્રિશૂલની પ્રથમ રેપ્લિકા છે. પુરાણો મુજબ, ભગવાન શિવ દ્વારા અર્પિત આ જ શક્તિશૂળથી દેવીએ મૈસુર (મહિષાસુરની ભૂમિ) ખાતે મહિષાસુરનો વધ કર્યો હતો અને ત્યારબાદ તેને ઉત્તરકાશીમાં સ્થાપિત કર્યું હતું. આ જ પૌરાણિક પરંપરાને જીવંત કરવા અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજીના ‘ત્રિશૂલિયા ઘાટ’ને દિવ્યતા પ્રદાન કરવાના ઉદ્દેશથી 16 ફૂટ ઊંચા આ ત્રિશૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

બપોરે 3 થી સાંજે 8 વાગ્યા સુધી થશે દર્શન
અત્રે ઉલ્લેખનીય છે કે, આ દિવ્ય ત્રિશૂલના દર્શન ભક્તજનો માટે અમદાવાદના વટવા સ્થિત ‘અમદાવાદ એન્જિનિયર્સ’ ખાતે 18 થી 21 જાન્યુઆરી દરમિયાન દરરોજ બપોરે 3 થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આ દિવ્ય ત્રિશૂલ અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવશે. આ સમગ્ર આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી સંપન્ન થઈ રહ્યું છે.

‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શન કરવા ભક્તો પહોંચ્યા
આ પ્રસંગે કાશી વિશ્વનાથ મંદિર, મહિષાસુર મર્દીની દ્વારા મહિષાસુર વધ, મૈસૂર, અંબાજી શક્તિપીઠ તથા ત્રિશૂલિયા ઘાટ સાથે સંકળાયેલી પૌરાણિક બાબતો અને આસ્થા તથા શક્તિના પ્રતીકોનો ઈતિહાસ દર્શાવતી ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શન પ્રારંભ પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, જય ભોલે ગ્રુપના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ, માઈભક્તો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

FBIની સિસ્ટમમાં ઘૂસણખોરીનો દાવો: ‘લગભગ તમામ’ એજન્ટોની માહિતી ચોરી હોવાનો Hacker જૂથનો દાવો….

વોશિંગ્ટન : અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓમાંની એક FBI (Federal Bureau of Investigation) સાથે જોડાયેલો મોટો સાયબર સુરક્ષા વિવાદ સામે આવ્યો છે. ShinyHunters નામના સાયબર ક્રાઇમ જૂથે દાવો કર્યો છે કે તેણે FBIની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને મોટી સંખ્યામાં વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોનો સંવેદનશીલ ડેટા મેળવી લીધો છે. Hacker જૂથે પોતાના ડાર્ક વેબ લીક પ્લેટફોર્મ પર એવો દાવો કર્યો છે કે તેની પાસે “લગભગ તમામ FBI એજન્ટો” અને FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોની માહિતી છે. જોકે, FBIએ આ દાવાની સંપૂર્ણ પુષ્ટિ કરી નથી. અમેરિકન તપાસ એજન્સીએ માત્ર એટલું જણાવ્યું છે કે FBIjobs.govને અસર કરતી અનધિકૃત પ્રવૃત્તિ અંગે એજન્સી વાકેફ છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. Hacker હેકર જૂથે…

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…