જર્મનીની રાજધાની બર્લિનમાં ભારે બરફવર્ષા અને થીજી જતાં વરસાદે (Freezing Rain) જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. પ્રચંડ હવામાન પરિસ્થિતિને કારણે બર્લિન બ્રાન્ડેનબર્ગ એરપોર્ટને આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રનવે પર જોખમી ‘બ્લેક આઈસ’ જામી જતાં વિમાન લપસવાની શક્યતા વધી હતી, જેના પગલે તમામ ફ્લાઇટ કામગીરી અટકાવી દેવામાં આવી છે.
રનવે બન્યો બરફની ચાદર
એરપોર્ટના પ્રવક્તા મુજબ ગુરુવાર સાંજથી પરિસ્થિતિ ગંભીર બની છે. ઉત્તર-પૂર્વીય જર્મનીમાં ભારે બરફવર્ષાના કારણે રનવે પર મીઠું છાંટવા છતાં તે સુરક્ષિત બની શક્યો નથી. શુક્રવારે સાંજે 7:30 વાગ્યા સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેમાં આશરે 70 લેન્ડિંગ અને 30 ટેક-ઓફ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલ આખું એરપોર્ટ બરફના ઢગલા જેવું દેખાઈ રહ્યું છે.
રેડ એલર્ટ, માર્ગો પર જોખમ
જર્મન હવામાન સેવા (DWD) દ્વારા બર્લિનથી બાલ્ટિક સમુદ્ર સુધીના વિસ્તારો માટે ‘રેડ વોર્નિંગ’ જાહેર કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર બરફ જામી જવાથી વાહનવ્યવહાર અત્યંત જોખમી બન્યો છે. પોટ્સડેમ નજીક હાઈવે પર બરફના કારણે થયેલા શ્રેણીબદ્ધ અકસ્માતોમાં આશરે 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. છેલ્લા 30 વર્ષમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન જર્મનીમાં આ સૌથી કડક ઠંડી માનવામાં આવી રહી છે.
મુસાફરોની હાલત કફોડી
એરપોર્ટ બંધ થવાને કારણે હજારો મુસાફરો ટર્મિનલમાં અટવાઈ પડ્યા છે. અનેક મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી છે. હાલ પરિસ્થિતિ ક્યારે સામાન્ય બનશે તે અંગે કોઈ ચોક્કસ સમયસીમા જાહેર કરવામાં આવી નથી.
મીઠાના ઉપયોગ પર ચર્ચા
પર્યાવરણીય કારણોસર બર્લિનમાં રસ્તાઓ પર મીઠાનો ઉપયોગ મર્યાદિત રાખવામાં આવતો હતો. હવે આ નિર્ણયને કારણે હાલની પરિસ્થિતિ વધુ ગંભીર બની હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






