ભારતે આતંકવાદ સામે ગંભીર પગલું ભરતા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી આતંકવાદી છાવણીઓ પર મજબૂત પ્રહાર કર્યો છે. બુધવારે મોડી રાત્રે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ નવથી વધુ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ કાર્યવાહીમાં સેના, નૌકાદળ અને વાયુસેનાનો સંયુક્ત રીતે સમાવેશ થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલાઓ માટે પ્રિસિઝન સ્ટ્રાઇક વેપન સિસ્ટમ અને રખડતા મિસાઇલ્સનો ઉપયોગ કરાયો હતો. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ આધારે નિશાન બનાવવામાં આવેલા સ્થળો કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મસૂદ અઝહર અને લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઈદના ઠેકાણાઓ પણ સામેલ હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, બહાવલપુરમાં જૈશના કેમ્પ્સ અને મુઝફ્ફરાબાદમાં સેન્ટ્રલ ગ્રીડ સિસ્ટમને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. સૌથી મોટો દાવો એ છે કે મુરીદકે સ્થિત હાફિઝ સઈદના ઠેકાણાઓનો સંપૂર્ણ નાશ કરાયો છે.
ભારતીય સેનાએ જણાવ્યું છે કે હુમલાની વિગતો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. પરંતુ આ કાર્યવાહીથી ભારતના આતંકવાદ નાબૂદ કરવાના સંકલ્પમાં નવી ચેતવણી અને દિશા ઉમેરાઈ છે.






