આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે — મહિલા હેલ્પ ડેસ્ક ન્યાય અને સુરક્ષાનું સરનામું

આજના સમયમાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ સમાજના વિકાસ માટે અત્યંત મહત્વનો મુદ્દો બની ગયો છે. મહિલાઓને નિર્ભય અને સુરક્ષિત વાતાવરણ પૂરૂં પાડવાના હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ‘મહિલા હેલ્પ ડેસ્ક’ની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. આ પહેલ મહિલાઓને કાયદાકીય સહાય, માર્ગદર્શન અને ત્વરિત ન્યાય ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

મહિલા હેલ્પ ડેસ્કનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓ મુશ્કેલીની ઘડીમાં કોઈ પણ સંકોચ વગર પોલીસનો સંપર્ક કરી શકે. દરેક હેલ્પ ડેસ્ક પર મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવે છે જેથી પીડિત મહિલા પોતાની વાત નિઃસંકોચ રીતે રજૂ કરી શકે. ઘરેલું હિંસા, છેડતી, સાયબર ક્રાઈમ જેવા કેસોમાં તાત્કાલિક કાર્યવાહી સાથે જરૂરી કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન પણ આપવામાં આવે છે. મહિલાઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ગુપ્ત રાખવામાં પણ વિશેષ કાળજી લેવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે વિવિધ માધ્યમોથી સતત કાર્યરત છે. ઈમરજન્સી હેલ્પલાઇન 100 અને 112, મહિલા હેલ્પલાઇન 181 (અભયમ), 1091 તથા દરેક વિસ્તારમાં કાર્યરત ‘શી ટીમ’ દ્વારા મહિલાઓને ત્વરિત મદદ પૂરી પાડવામાં આવે છે. ‘શી ટીમ’ શાળા-કોલેજો નજીક પેટ્રોલિંગ, મહિલાઓમાં જાગૃતિ લાવવા તથા એકલા રહેતા સિનિયર સિટિઝનની મુલાકાત લઈને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

અમદાવાદ મહિલા પોલીસ મથકના ACP હિમાલા જોશી જણાવે છે કે મહિલાઓએ પોતાની આર્થિક અને નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી ખૂબ જરૂરી છે. મહિલાઓએ પોતાની શક્તિને મર્યાદિત માનવી જોઈએ નહીં. પોતાના જીવનમાં આવતાં અવરોધોને ઓળખીને હિંમતપૂર્વક તેનો સામનો કરવો જોઈએ. જો અસામાજિક તત્વો અથવા કુરિવાજોના કારણે મહિલાઓની પ્રગતિમાં અવરોધ ઉભા થાય તો પોલીસ તેમની મિત્ર છે અને મહિલા પોલીસ અધિકારી તેમની પ્રથમ સહાય બની શકે છે. મહિલાઓએ ‘ગ્લાસ સીલિંગ’ જેવી માનસિક અથવા સામાજિક મર્યાદાઓને ઓળખીને તેને તોડી આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ.

મહિલા પોલીસ હેલ્પ ડેસ્ક: નારી સુરક્ષા અને સશક્તિકરણનું મક્કમ પગલું

ઘણી વખત મહિલાઓ પોતાની સાથે બનેલી અન્યાયી ઘટનાઓ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અચકાય છે. આવી મુંઝવણ દૂર કરવા માટે મહિલા પોલીસ હેલ્પ ડેસ્ક આશીર્વાદ સમાન સાબિત થયું છે. આ ડેસ્ક પર મહિલાઓને મૈત્રીપૂર્ણ અને સંવેદનશીલ વાતાવરણમાં પોતાની સમસ્યા રજૂ કરવાની તક મળે છે. મહિલા હેલ્પ ડેસ્ક માત્ર ફરિયાદ નોંધવાનું કેન્દ્ર નથી, પરંતુ તે મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સુરક્ષા પૂરી પાડે છે. ઘરેલું હિંસા, માનસિક ત્રાસ અથવા અન્ય સામાજિક સમસ્યાઓના કિસ્સાઓમાં મહિલાઓને યોગ્ય સમજાવટ અને માર્ગદર્શન આપવામાં આવે છે. ગંભીર કિસ્સાઓમાં તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરીને પીડિત મહિલાને સુરક્ષા આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ‘નિર્ભયા ફંડ’ હેઠળ દેશભરના પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્ક સ્થાપવા માટે વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું છે જેથી પોલીસ સ્ટેશનો મહિલાઓ માટે વધુ સંવેદનશીલ અને સુલભ બની શકે. મહિલાઓને વધુ સહાય માટે One Stop Centre (સખી કેન્દ્ર) માં હિંસાથી પ્રભાવિત મહિલાઓને એક જ છત નીચે તબીબી, કાનૂની અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત મહિલા શક્તિ કેન્દ્ર (MSK) દ્વારા ગ્રામ્ય મહિલાઓને સશક્ત બનાવવા તથા સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવે છે. ‘ઝીરો FIR’ની વ્યવસ્થા હેઠળ કોઈ પણ મહિલા દેશના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે. તેમજ CrPC કલમ 164 મુજબ મહિલાની જુબાની તેની પસંદગીના સ્થળે મહિલા મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવી શકે છે.

મહિલા પોલીસની સતર્કતાથી બચ્યું જીવન

અમદાવાદ શહેર પોલીસની સતર્કતા અને માનવતાવાદી અભિગમના કારણે આત્મહત્યા કરવા નીકળેલી એક મહિલાનો જીવ બચ્યો હતો. મહિલા પોલીસ સ્ટેશનમાં કાઉન્સેલિંગ માટે આવેલ મહિલાનો ઘરે પરિવાર સાથે વિવાદ થતાં તેઓ વ્યથિત થઈ ગયા હતા અને આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ટેકનિકલ મદદથી મહિલાના મોબાઇલનું લોકેશન ટ્રેસ કરીને તેમને શોધી કાઢ્યા અને સમજાવી સુરક્ષિત રીતે ઘરે પરત લાવ્યા. પોલીસની આ સંવેદનશીલ કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

ડિજિટલ ફ્રોડના ડરથી મહિલાને આત્મહત્યાથી બચાવાઈ

બીજા એક કિસ્સામાં અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે ડિજિટલ ફ્રોડના ડરથી આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાને બચાવી હતી. નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલાને વિદેશી નંબર પરથી ફોન કરી પોતે CBI અધિકારી હોવાનું કહી ‘ડિજિટલ એરેસ્ટ’નો ડર બતાવી નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગભરાયેલી હાલતમાં મહિલા કૃષ્ણનગર પોલીસ પાસે પહોંચતા PSI એન.કે. ચારણે વાતચીત કરીને ફ્રોડનો ભાંડાફોડ કર્યો હતો. પછી પણ મહિલામાં ભય રહેવાથી શી-ટીમ દ્વારા તેમને પોલીસ સ્ટેશન લાવી યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ડિજિટલ ફ્રોડ અંગે માહિતી આપી તેમને ભયમુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસની આ સંવેદનશીલ કામગીરીને કારણે મહિલા સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરી હતી. આવા અનેક કિસ્સાઓ સાબિત કરે છે કે મહિલા હેલ્પ ડેસ્ક માત્ર એક સરકારી વ્યવસ્થા નથી, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આશાનું કિરણ છે. “સેવા, સુરક્ષા અને શાંતિ”ના સૂત્રને સાકાર કરતી અમદાવાદ શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે સતત કાર્યરત છે.

 

Related Posts

સોલધરા ગામની “લખપતિ દીદી” અસ્મિતાબેન પટેલ: ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ

Gandhinagar, 7 માર્ચ 2026: “સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ” કહેવતને સાકાર કરતી પ્રેરણાદાયક કહાની છે Soldhara ગામની અસ્મિતાબેન અશોકભાઈ પટેલની. એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલી અસ્મિતાબેને પોતાની મહેનત, સંઘર્ષ…

ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સગીરા પર દુષ્કર્મના ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે મક્કમતાથી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય…