ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સગીરા પર દુષ્કર્મના ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે મક્કમતાથી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દીકરીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે, ત્યારે આણંદ જિલ્લામાં ગઈ કાલે પોક્સોના ગુનામાં વધુ બે ચુકાદા આવ્યા છે જે બંને કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બંને કેસની તપાસ કરીને આરોપીઓને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરનાર તપાસ અધિકારીએ પોક્સોના સાત કેસમાં 100 ટકા સજાનો દર મેળવ્યો છે જે પૈકી છ આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે.

આણંદ જિલ્લા પોલીસ વડા જી.જી.જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ, તત્કાલીન સી.પી.આઈ. (પેટલાદ ડિવિઝન) અને હાલ બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા માર્ચ 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન નોંધાયેલા પોક્સોના ગુનાઓમાં ‘ટોપ ટુ બોટમ’ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આ સચોટ તપાસના પરિણામે તમામ 7 કેસોમાં 100% સજાનો દર હાંસલ થયો છે અને આણંદ જિલ્લા પોલીસની ટીમે આ ગંભીર ગુનાઓમાં દાખલારૂપ કામગીરી કરી નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.

નોંધનીય બાબત છે કે, તમામ 7 કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ 45 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ 7 પૈકી 6 કેસોમાં આરોપીઓને 20 વર્ષની કેદ (આજીવન કેદ) અને દંડની સજા ફટકારવામાં આવી છે. ઝડપી તપાસને કારણે માત્ર 8 થી 9 મહિનાના ટૂંકા ગાળામાં કોર્ટના ચુકાદાઓ આવ્યા છે. ગઈકાલે જ બે મહત્વના કેસોમાં કોર્ટે કડક વલણ દાખવી આજીવન કેદની સજા ફટકારી છે.

આ તપાસમાં પરંપરાગત પદ્ધતિઓની સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો હતો. ‘ઇ-સાક્ષ્ય’ એપ્લિકેશન દ્વારા સાક્ષીઓના નિવેદનો અને પંચનામાનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું, જેથી ન્યાયિક પ્રક્રિયામાં પુરાવા નબળા ન પડે. આ ઉપરાંત, ક્રાઈમ સીન મેનેજર અને FSL ની મદદથી મેળવેલા વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવાઓએ આરોપીઓને સજા અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે.

આણંદ પોલીસની આ સંવેદનશીલ અને ત્વરિત કામગીરીની નોંધ લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે. રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિ છે કે મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધના ગુનાઓમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં અને ગુનેગારોને કાયદાના કડક પાઠ ભણાવવામાં આવશે.

Related Posts

હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે…

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને…