ભારતમાં હેન્ટાવાઇરસને લઈને ચિંતા વચ્ચે NIV અને WHOએ આપી રાહત

તાજેતરમાં ડચ ક્રૂઝ શિપ MV Hondius પર હેન્ટાવાઇરસના કેસો સામે આવતા વૈશ્વિક સ્તરે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને જહાજ પર બે ભારતીય નાગરિકો પણ ક્રૂ મેમ્બર તરીકે હાજર હોવાના અહેવાલો બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ભારત માટે હાલ કોઈ મોટા જાહેર સ્વાસ્થ્યના ખતરા જેવી સ્થિતિ નથી તેવી સ્પષ્ટતા ICMR, NIV અને WHO દ્વારા કરવામાં આવી છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ના ડાયરેક્ટર ડો. નવીન કુમારે જણાવ્યું કે હાલ નોંધાયેલા કેસો છૂટાછવાયા છે અને સમુદાય સ્તરે સંક્રમણ ફેલાતું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે જણાવ્યું કે હેન્ટાવાઇરસ કોવિડ-19 જેવી ઝડપથી ફેલાતી બીમારી નથી અને હાલમાં ભારત માટે ગભરાવાની જરૂર નથી.

માહિતી મુજબ MV Hondius ક્રૂઝ શિપ પર કુલ 8 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસોની પુષ્ટિ થઈ છે, જ્યારે એક ડચ મહિલા સહિત કુલ 3 લોકોના મોત થયા છે. જહાજમાં અંદાજે 150 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, જેમાં 28 દેશોના નાગરિકો સામેલ હતા. તેમાં બે ભારતીય નાગરિકો પણ ક્રૂ મેમ્બર તરીકે ફરજ બજાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

WHOના નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે આ સ્થિતિ કોવિડ જેવી નથી. હેન્ટાવાઇરસ મુખ્યત્વે નજીકના સંપર્ક અથવા ઉંદરના મળ-મૂત્રના સંપર્કથી ફેલાય છે. હાલમાં જહાજ પર માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા છે અને સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે.

શું છે હેન્ટાવાઇરસ?
હેન્ટાવાઇરસ ઉંદરોથી ફેલાતો વાયરસ છે. ઉંદરના પેશાબ, લાળ અથવા મળના સુકાયેલા કણો હવામાં ભળી જાય અને તે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે ત્યારે માણસ સંક્રમિત થઈ શકે છે. ખાસ કરીને ગોદામો, સ્ટોરેજ એરિયા અને બંધ જગ્યાઓમાં આ જોખમ વધારે રહે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ એશિયા અને યુરોપમાં જોવા મળતા હેન્ટાવાઇરસના સ્ટ્રેઇનમાં માણસથી માણસમાં સંક્રમણ અત્યંત દુર્લભ છે.

હેન્ટાવાઇરસના લક્ષણો
– હેન્ટાવાઇરસના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણ પછી 1 થી 5 અઠવાડિયામાં દેખાય છે.
– અચાનક તાવ અને માથાનો દુખાવો
– શરીરમાં ભારે દુખાવો અને થાક
– ઉબકા, ઉલટી અને પેટમાં દુખાવો
– શ્વાસ લેવામાં તકલીફ
– ગંભીર સ્થિતિમાં કિડની પર અસર

ભારતની તૈયારીઓ
ICMR-NIV અને દેશભરની 165 VRDL લેબ્સમાં હેન્ટાવાઇરસની તપાસ માટે RT-PCR સુવિધા ઉપલબ્ધ છે. શંકાસ્પદ કેસોની તપાસ અને પુષ્ટિ કરવા માટે ભારત પાસે પૂરતી ક્ષમતા હોવાનું ડો. નવીન કુમારે જણાવ્યું છે.

નિષ્ણાતોની ચેતવણી
ક્લાઇમેટ ચેન્જ, ભારે વરસાદ, પૂર અને ગંદકીના કારણે ઉંદરો માનવ વસાહતો તરફ વધુ આવે છે, જેના કારણે ભવિષ્યમાં આવા વાયરસના જોખમ વધી શકે છે. નિષ્ણાતોએ સ્વચ્છતા જાળવવા અને ઉંદરોના સંપર્કથી દૂર રહેવાની સલાહ આપી છે.

બચાવ માટે જરૂરી સાવચેતી
– ગોદામો અને સ્ટોરેજ એરિયા સ્વચ્છ રાખવા
– ઉંદરવાળી જગ્યાએ જતાં માસ્ક પહેરવો
– ઘરમાં અને આસપાસ કચરો એકત્ર ન થવા દેવું
– શ્વાસની તકલીફ અથવા તાવ જણાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી

 

 

  • Related Posts

    સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…

    ‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ

    તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…