નેપાળની નવી ઓનલાઈન કસ્ટમ્સ સિસ્ટમ બની માથાનો દુખાવો! ભારત-નેપાળ સરહદે વાહનોની લાંબી કતારો, દલાલોની ચાંદી

ભારતમાંથી નેપાળમાં પ્રવેશતા વાહનો માટે નેપાળ સરકારે તાજેતરમાં અમલમાં મૂકીેલી નવી ઓનલાઈન કસ્ટમ્સ સિસ્ટમ હવે વિવાદના કેન્દ્રમાં આવી છે. સરહદ પરની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે શરૂ કરાયેલી આ ડિજિટલ વ્યવસ્થા વેપારીઓ, વાહનચાલકો અને પ્રવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી હોવાનું સામે આવ્યું છે.

નવી વ્યવસ્થા હેઠળ ભારતમાંથી નેપાળમાં પ્રવેશતા વાહનો માટે ટેમ્પરરી ઈમ્પોર્ટ ઓફ વ્હીકલ્સ (TIV) સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ પ્રક્રિયા મુજબ વાહન માલિકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, વાહનની વિગતો દાખલ કરવી પડે છે અને કસ્ટમ્સ ટેક્સ પણ ઓનલાઈન જમા કરાવવો પડે છે. ત્યારબાદ મળતા QR કોડના આધારે સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવે છે.

સરહદ પર 3થી 4 કલાક સુધી રાહ જોવાની ફરજ
નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ નેપાળ-ભારત સરહદ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને ટ્રકો, માલવાહક રિક્ષાઓ, ખાનગી કારો અને પ્રવાસી બસોને કસ્ટમ્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં 3થી 4 કલાક જેટલો સમય લાગી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો મુજબ, નેપાળના મહોત્તરી જિલ્લાના જલેશ્વર નજીક આવેલી માલીવાડા અને ભિઠ્ઠામોડ કસ્ટમ્સ પોસ્ટ પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અહીં મોટી સંખ્યામાં વાહનો અટવાઈ જતા વેપાર અને પરિવહન બંને પ્રભાવિત થઈ રહ્યા છે.

ટેકનિકલ સમસ્યાઓથી વધ્યું સંકટ
સ્થાનિક સ્તરે પૂરતી ટેકનિકલ સુવિધાઓ અને પ્રશિક્ષિત કર્મચારીઓના અભાવને કારણે મુસાફરો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વાહનચાલકોનું કહેવું છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા જટિલ છે અને સરકારી સહાય પૂરતી મળતી નથી. બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી આવતા અનેક ડ્રાઈવરોના જણાવ્યા અનુસાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી તેઓને ખાનગી દલાલોની મદદ લેવી પડે છે.

દલાલો વસૂલી રહ્યા છે વધારાના રૂપિયા
નવી ઓનલાઈન પ્રક્રિયાનો લાભ ઉઠાવીને સરહદ વિસ્તારમાં દલાલો સક્રિય બની ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ફોર્મ ભરવા, રજિસ્ટ્રેશન કરાવવા અને પ્રક્રિયા પૂર્ણ કરાવવા માટે દલાલો વાહનચાલકો પાસેથી 300થી 500 રૂપિયા સુધીની રકમ વસૂલતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે જે પ્રક્રિયા સમય બચાવવા માટે શરૂ કરવામાં આવી હતી તે હવે વધુ સમય અને ખર્ચ વધારવાનું કારણ બની રહી છે.

સરકારનો હેતુ અને વાસ્તવિક સ્થિતિ
નેપાળ સરકારનો દાવો હતો કે ડિજિટલ કસ્ટમ્સ સિસ્ટમથી સરહદ પરની ભીડ ઘટશે, પારદર્શિતા વધશે અને કાગળ આધારિત પ્રક્રિયાનો અંત આવશે. જોકે હાલની સ્થિતિમાં ટેકનિકલ ખામીઓ અને પૂરતા માર્ગદર્શનના અભાવને કારણે આ યોજના અપેક્ષા મુજબ સફળ થઈ શકી નથી. નાના વેપારીઓ તેમજ જથ્થાબંધ વેપારીઓ બંને આ નવી વ્યવસ્થાથી પ્રભાવિત થયા છે. વેપાર જગતમાં એવી માંગ ઉઠી રહી છે કે સરકાર સિસ્ટમમાં જરૂરી સુધારા કરે અને સરહદ પર ટેકનિકલ સહાય કેન્દ્રો શરૂ કરે, જેથી વાહનચાલકોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

 

 

 

  • Related Posts

    30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક: જ્ઞાનેશ કુમાર સામે હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા, SIR મુદ્દો પણ રહેશે કેન્દ્રમાં…..

    નવી દિલ્હી : ચૂંટણી પંચ અને મતદાર યાદીના Special Intensive Revision (SIR) મુદ્દે રાજકીય ગરમાવો વચ્ચે વિપક્ષી INDIA બ્લોકના નેતાઓ 30 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં બેઠક યોજવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સંસદમાં રજૂ થનારા હટાવવાના પ્રસ્તાવ અંગે આગળની રણનીતિ નક્કી કરવામાં આવી શકે છે. બેઠકમાં SIRની પ્રક્રિયા, ચૂંટણી પંચ સાથે જોડાયેલા તાજેતરના વિવાદો અને વિપક્ષની સંયુક્ત કાર્યવાહી અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. અહેવાલો અનુસાર બેઠક નવી દિલ્હીની Constitution Club of India ખાતે યોજાવાની છે. આ બેઠક પહેલાં 29 સપ્ટેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ યોજાવાની છે, જેમાં પાર્ટી જ્ઞાનેશ કુમાર અને SIR મુદ્દે પોતાની આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરશે. જ્ઞાનેશ કુમાર સામે શું છે વિપક્ષની તૈયારી? INDIA બ્લોક સાથે…

    ચૂંટણી પંચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં SIRની સમયમર્યાદા લંબાવી, નવી તારીખો નક્કી કરી…..

    નવી દિલ્હી : ચૂંટણી પંચે મતદાર યાદીના Special Intensive Revision (SIR) એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણને લઈને દિલ્હી અને મહારાષ્ટ્રના મતદારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે બંને રાજ્યોમાં મતદાર યાદી અંગે દાવા અને વાંધા રજૂ કરવાની સમયમર્યાદા લંબાવી છે. દિલ્હી માટે હવે દાવા-વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2026 અને મહારાષ્ટ્ર માટે 12 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. સાથે જ નોટિસ તથા દાવા-વાંધાના નિકાલ માટે પણ નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી એવા મતદારોને વધુ સમય મળશે જેમના નામ, વિગતો અથવા અગાઉના રેકોર્ડ સાથે સંબંધિત કોઈ વિસંગતિ સામે આવી છે અને જેમને પોતાની માહિતી અંગે દાવો કે વાંધો નોંધાવવાનો છે. દિલ્હીમાં 30 ઓક્ટોબર સુધી દાવા-વાંધા ચૂંટણી પંચના…