નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, ધમકી અને ખંડણી માંગવાના વર્ષ 2023ના ચર્ચિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા સંભળાવી છે, જેના કારણે તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે.
શું હતો સમગ્ર મામલો?
નવેમ્બર 2023માં નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર, દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની સરકારી જમીન પર થયેલા ગેરકાયદે વાવેતરને વન કર્મચારીઓએ દૂર કર્યું હતું. આ બાબતનો રોષ રાખીને ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આરોપ મુજબ, બેઠક દરમિયાન કર્મચારીઓ સાથે મારામારી કરવામાં આવી હતી, તેમને સરકારી ફરજ બજાવતા અટકાવવામાં આવ્યા હતા અને બંદૂક વડે હવામાં ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઘટના બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને લગભગ એક મહિના કરતાં વધુ સમય બાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા.
ખંડણી માંગવાનો પણ આરોપ
સરકારી પક્ષના જણાવ્યા અનુસાર, હુમલાના બીજા દિવસે ધારાસભ્યના પીએ (PA) અને અન્ય સાગરિતોએ વન કર્મચારીઓ પાસે બે વ્યક્તિઓને આપવાના બહાને ₹60,000ની ખંડણીની માંગણી કરી હતી. તપાસ દરમિયાન ભોગ બનનાર કર્મચારીએ એટીએમમાંથી રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતા તેની સ્લિપ મળી આવી હતી. ત્યારબાદ કર્મચારીએ પોતાના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરતાં તેમને ઓનલાઈન ₹30-30 હજારની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. તપાસમાં આ રકમ ગેરકાયદે વાવેતર કરાયેલી જમીન સાથે સંકળાયેલા વ્યક્તિ પાસેથી મળી આવતાં કેસમાં મહત્વની કડી સાબિત થઈ હતી.
તમામ 9 આરોપીઓ જેલ હવાલે
કોર્ટના આદેશ બાદ તમામ 9 દોષિતોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમાં 5 પુરુષ અને 4 મહિલા આરોપીઓનો સમાવેશ થાય છે. મહિલા આરોપીઓમાં એક ગર્ભવતી મહિલા તથા એક નવજાત બાળકની માતાનો પણ સમાવેશ થાય છે. નવજાત બાળકની માતાએ બાળકને સાથે રાખવાની મંજૂરી માટે અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.
ધારાસભ્ય પદ પર સંકટ
ભારતીય કાયદા મુજબ, જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ રદ થઈ શકે છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવતા તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં આવ્યું છે. હવે ચૈતર વસાવા માટે આગામી કાનૂની વિકલ્પ તરીકે ઉચ્ચ અદાલતનો દરવાજો ખખડાવી સજા પર સ્ટે મેળવવાનો માર્ગ ખુલ્લો છે. હાઇકોર્ટ તરફથી રાહત ન મળે તો તેમની વિધાનસભાની સભ્યતા પર સીધી અસર પડી શકે છે.
સરકારી વકીલનું નિવેદન
સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં વન વિભાગના અધિકારીઓ પર થયેલા હુમલા અને ખંડણીના કેસમાં કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા પુરાવાઓના આધારે તમામ 9 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને સજાનો આદેશ આપવામાં આવ્યો છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





