ભારતીય સંગીત જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે નિધન થયું છે. તેમની વિદાયથી બોલિવૂડ સહિત સમગ્ર સંગીત જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ગાયિકા જ નહીં, સફળ બિઝનેસ વુમન પણ
આશા ભોંસલે માત્ર સુપ્રસિદ્ધ ગાયિકા જ નહોતા, પરંતુ એક સફળ બિઝનેસ વુમન તરીકે પણ ઓળખાતા હતા. તેમને રસોઈનો ખૂબ શોખ હતો, જેને તેમણે ફૂડ બિઝનેસમાં રૂપાંતરિત કર્યો. વર્ષ 2002માં તેમણે Dubai માં પોતાના નામથી પહેલું રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમના રેસ્ટોરન્ટ્સ કતાર, અબુ ધાબી, બહેરીન અને યુનાઇટેડ કિંગડમ સુધી વિસ્તર્યા. અહીં મુખ્યત્વે નોર્થ વેસ્ટર્ન અને મહારાષ્ટ્રીયન વાનગીઓ પીરસવામાં આવતી હતી.
ગુણવત્તા પર ખાસ ધ્યાન
આશા ભોંસલે માત્ર નામ પૂરતા જ સંકળાયેલા નહોતા, પરંતુ તેઓ રેસ્ટોરન્ટની ગુણવત્તા જાળવવામાં સક્રિય હતા. રસોઇયાઓને ખાસ તાલીમ આપવામાં આવતી અને તેમના દ્વારા બનાવેલા ભોજનનો સ્વાદ જાતે ચાખ્યા બાદ જ તેમને નોકરી આપવામાં આવતી. રેસ્ટોરન્ટના ઈન્ટીરિયર ડિઝાઇનમાં પણ તેમની ખાસ પસંદગી દેખાતી હતી.
ભારતીય ખાણીપીણીને વૈશ્વિક ઓળખ
તેમણે આ વ્યવસાય માત્ર નફા માટે શરૂ કર્યો ન હતો, પરંતુ ભારતીય ખાસ કરીને મહારાષ્ટ્રીયન ખાણીપીણીને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે શરૂ કર્યો હતો. તેમના પ્રયાસોથી વિદેશોમાં ભારતીય સંસ્કૃતિનો સ્વાદ પહોંચ્યો.
ગાયન ક્ષેત્રમાં અદભૂત યોગદાન
આશા ભોંસલે એ પોતાના કરિયરમાં 20થી વધુ ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાયા હતા. તેમના લોકપ્રિય ગીતોમાં “દમ મારો દમ”, “પિયા તુ અબ તો આજા”, “ચુરા લિયા હૈ તુમને” અને “ઇન આંખો કી મસ્તી” સામેલ છે. તેમને પદ્મ વિભૂષણ અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા હતા. આશા ભોંસલેનું નિધન સંગીત અને સંસ્કૃતિ જગત માટે અપૂર્ણીય નુકસાન છે. તેમની અવાજ અને તેમની રચનાઓ હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





