મધ્યપૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ દિવસેને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. ઈઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે યુદ્ધનો વ્યાપ દરિયાઈ માર્ગો સુધી પહોંચી ગયો છે. પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ઇરાન દ્વારા અમેરિકી માલિકી ધરાવતા એક ઓઇલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે.
દરિયામાં વધ્યો તણાવ
માહિતી મુજબ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ઇરાન દ્વારા દરિયામાં મોટી સંખ્યામાં માઇન્સ બિછાવવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. અંદાજે 6000 જેટલા માઇન્સ દરિયાના માર્ગમાં મૂકાયા હોવાના અહેવાલો સામે આવતા વૈશ્વિક તેલ સપ્લાય અંગે ચિંતા વધી છે. વિશ્વના મહત્વના તેલ માર્ગોમાંથી એક એવા આ વિસ્તારની સુરક્ષા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો માહોલ છે.
ઇરાનનો ઇઝરાયલ પર મોટો હુમલો
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે ઈઝરાયલના 50થી વધુ વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવીને લગભગ પાંચ કલાક સુધી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બેલિસ્ટિક મિસાઇલ, આત્મઘાતી ડ્રોન અને રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાઇફા, તેલ અવીવ અને બીરશેબા સહિતના વિસ્તારોમાં આવેલા સૈન્ય મથકોને નિશાન બનાવાયા હોવાના અહેવાલો છે. ઇઝરાયલી સૈન્યે પણ આ હુમલાની પુષ્ટિ કરી છે અને મધ્ય ઇઝરાયલ વિસ્તારમાં સૌથી વધુ અસર થઈ હોવાનું જણાવ્યું છે.
અમેરિકી ટેન્કર પર હુમલો, એક ભારતીયનું મોત
પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ઇરાકની જળસીમા નજીક વિસ્ફોટકોથી ભરેલી આત્મઘાતી બોટ દ્વારા બે વિદેશી તેલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. માર્શલ આઇલેન્ડનો ધ્વજ ધરાવતા અને અમેરિકી માલિકીના એક ટેન્કર પર થયેલા હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. માલ્ટાના ધ્વજ ધરાવતા બીજા જહાજને પણ નુકસાન પહોંચ્યું છે. બંને જહાજોમાંથી કુલ 38 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. વધતી સુરક્ષા ચિંતાઓને કારણે ઇરાકે તેના તમામ ઓઇલ ટર્મિનલ્સ પર કામગીરી હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે.
વૈશ્વિક તેલ સંકટ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય
યુદ્ધના કારણે વૈશ્વિક તેલ સપ્લાયમાં અવરોધ ઊભો થવાની ભીતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમેરિકા પોતાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાંથી 172 મિલિયન બેરલ તેલ બજારમાં છોડશે.
આ પ્રક્રિયા આગામી સપ્તાહથી શરૂ થવાની છે અને આશરે 120 દિવસમાં પૂર્ણ થશે. સાથે જ અમેરિકાએ આવતા વર્ષે પોતાના રિઝર્વમાં ફરીથી 200 મિલિયન બેરલ તેલ ઉમેરવાની યોજના બનાવી છે, જેથી ભવિષ્યમાં ઊભા થનારા સંકટનો સામનો કરી શકાય.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





