IPL 2025ની 47મી મેચમાં રાજસ્થાન રોયલ્સના માટે રમતા 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઘણાં રેકોર્ડ તોડ્યાં અને પોતાનું નામ ક્રિકેટ ઇતિહાસમાં ઉમેર્યું.
ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતાં 209 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ અને યશસ્વી જયસ્વાલે આ ટાર્ગેટ ફક્ત 16 ઓવરમાં જ હાંસલ કરી લીધો. ભારતીય T20 અને IPL ઈતિહાસમાં આ સૌથી ઝડપથી ચેઝ થયેલા લક્ષ્યાંકોમાંના એક છે. વૈભવે પોતાની અડધી સદી ફક્ત 17 બોલમાં પૂરી કરી અને ત્યારબાદ માત્ર 18 વધુ બોલોમાં સદી ફટકારી. 38 બોલમાં 101 રન ફટકારતા વૈભવે 265.78ના સ્ટ્રાઇક રેટ સાથે રમત રમી. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાઓનો સમાવેશ થાય છે.
યુસુફ પઠાણનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
2010માં યુસુફ પઠાણે મુંબઈ ઇન્ડિયન્સ સામે 35 બોલમાં સદી ફટકારી હતી. આ રેકોર્ડ ત્યારથી અટલ રહ્યો હતો. 2025માં વૈભવે એ જ સંખ્યામાં બોલમાં સદી ફટકારીને યુસુફનો સૌથી ઝડપી ભારતીય સદીનો રેકોર્ડ તોડી નાખ્યો. ખાસ વાત એ છે કે જ્યારે યુસુફે આ સિદ્ધિ હાંસલ કરી, ત્યારે વૈભવ જન્મ્યો પણ નહતો. વૈભવ હવે T20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. તેણે આ સિદ્ધિ માત્ર 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે હાંસલ કરી. અગાઉનો રેકોર્ડ મહારાષ્ટ્રના વિજય ઝોલના નામે હતો, જેમણે 18 વર્ષની ઉંમરે સદી ફટકારી હતી.
IPL 2025માં સૌથી વધુ છગ્ગાની ઇનિંગ
વૈભવે ગુજરાત સામેની ઇનિંગ દરમિયાન 11 છગ્ગા ફટકાર્યા, જે IPL 2025ની એક ઇનિંગમાં સૌથી વધુ છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માને પછાડ્યો, જેમણે 10 છગ્ગા ફટકાર્યા હતા.
રાજસ્થાન માટે સૌથી મોટી ભાગીદારી
પ્રથમ વિકેટ માટે વૈભવ અને યશસ્વી વચ્ચે 166 રનની ભાગીદારી નોંધાઈ, જે રાજસ્થાન માટે IPL ઈતિહાસમાં સૌથી મોટી ભાગીદારી છે. અગાઉ આ રેકોર્ડ બટલર અને પડિકલના નામે હતો (155 રન vs દિલ્હી, 2022). વૈભવ સૂર્યવંશીનો આ પરફોર્મન્સ ન માત્ર IPL માટે, પણ ભારતીય ક્રિકેટ માટે પણ એક આશાસ્પદ સંકેત છે. 14 વર્ષની ઉંમરે આવી સ્પષ્ટતા અને દબદબાથી રમવી એ કોચિંગ, આત્મવિશ્વાસ અને કુદરતી પ્રતિભાનો મેળ છે.








