અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરની ટક્કરે યુવકનું મોત

અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર મંગળવારે વહેલી સવારે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પરે એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

મૃતક યુવકની ઓળખ સરખેજ વિસ્તારમાં આવેલા વિનાયક હોમ્સમાં રહેતા 23 વર્ષીય ધાર્મિક સંજયભાઈ ચોટાલીયા તરીકે થઈ છે. માહિતી અનુસાર ધાર્મિક આજે સવારે આશરે 8 વાગ્યા પહેલાં પોતાનું એક્ટિવા લઈને એસ.જી. હાઈવે પર YMCAથી સાણંદ સર્કલ તરફ સર્વિસ રોડ પરથી જઈ રહ્યા હતા.

આ દરમિયાન બ્લુ લગૂન પાર્ટી પ્લોટ સામે અને એનરાઇઝ ગ્લાન્સ સાઇડના ગેટ નજીક એક બેફામ ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને ધાર્મિકના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ધાર્મિક રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવ્યા છે અને તેના આધારે તપાસ હાથ ધરાઈ રહી છે.

આ અકસ્માત બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો દ્વારા એસ.જી. હાઈવે પર ભારે વાહનોની બેફામ દોડ અને ટ્રાફિક સુરક્ષા મુદ્દે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

 

 

  • Related Posts

    હોર્મુઝમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટનો દાવો: સમુદ્રી માઈન સાથે અથડામણની ચર્ચા

    વિશ્વના સૌથી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંથી એક એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ઓઈલ ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ થયો હોવાનો દાવો ઈરાની મીડિયામાં કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, ટેન્કર પોતાના નિર્ધારિત…

    અમરેલીના રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરાથી ફફડાટ: વન વિભાગ દોડતું થયું

    ગુજરાતના ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહો અને દીપડાના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને આસપાસના ગામોમાં સિંહ તથા દીપડાના આંટાફેરાના…