ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર જમાવ્યું આકર્ષણ, જાણો વિશેષતા

નવી દિલ્હી :  પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ 77-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો.

ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરી હતી.

જાણો ટેબ્લોની વિશેષતા
આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને સ્વરચિત ‘વંદે માતરમ’ લિખિત ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા હતા. જે તેમણે સૌ પ્રથમ વખત વિદેશીભૂમિ પર વર્ષ 1907 માં પેરિસમાં લહેરાવ્યો હતો. આ ધ્વજ જર્મનીના બર્લિનના સ્ટુટગાર્ટની ‘ઇન્ડિયન સોશિયાલિસ્ટ કોન્ફરન્સ’મા પણ રજુ કરવામાં આવ્યો હતો. મેડમ કામાની આ ધ્વજ લહેરાવતી અર્ધ-પ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષામાં ‘વંદે માતરમ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ટેબ્લોના હૃદયસમા પૃષ્ઠભાગમાં રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખને વર્ણવવામાં આવી હતી : જેનો પ્રારંભ વર્ષ 1906થી થાય છે. કોલકાતાના પારસી બાગાનમાં વિદેશી ચીજવસ્તુઓની હોળી અને સ્વદેશીનો સ્વીકાર કરતી વખતે ક્રાંતિકારીઓએ ‘વંદે માતરમ’ લખેલો ધ્વજ સૌ પ્રથમ વખત ફરકાવ્યો હતો. ત્યારબાદના ક્રમે, 1907 મા વિદેશીભૂમિ પરથી ભારતીય ક્રાંતિની જ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તેમણે તૈયાર કરેલો ધ્વજ પેરિસમાં લહેરાવ્યો હતો. વર્ષ 1917મા હોમરુલ ચળવળના ભાગરૂપે એની બેસન્ટ અને બાળગંગાધર તિલક દ્વારા એક નવતર ધ્વજ ફરકાવવામાં આવ્યો, જયારે વર્ષ 1921મા વિજયવાડામાં યુવા ક્રાંતિવીર પીંગળી વેંકૈયાએ એક નવી ડિઝાઈનનો ધ્વજ બનાવ્યો અને ગાંધીજી સમક્ષ રજુ કર્યો.

1931 મા પીંગળીએ તૈયાર કરેલા ચરખા અને ત્રણ રંગો સાથે કેટલાક સુધારા સાથેનો ધ્વજ લગભગ સ્વીકૃતિ પામ્યો. જો કે આખરે 22 જુલાઈ, 1947ના રોજ મધ્યમાં ધર્મચક્ર સાથેના ત્રિરંગાને ભારતીય બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. પ્રવર્તમાન રાષ્ટ્રધ્વજની આ નિર્માણયાત્રા સાથે ભારતીય સ્વતંત્રતાની મહત્વની ચળવળોનું પણ આ ટેબ્લોમાં નિદર્શન કરવામાં આવ્યું.

‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીના પ્રયોગ મારફતે સ્વતંત્રતાની હાકલ કરનારા મહાત્મા ગાંધીના શિલ્પને ટેબ્લોના અંતિમ ચરણમાં વિશાળ ધર્મચક્ર સાથે દર્શાવવામાં આવ્યું છે. સ્વદેશી-આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના આ સશક્ત મૂલ્યોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ સતત સંવર્ધિત કરવાનું સ્તુત્ય કાર્ય કરી રહયા છે.

સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા હતા. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉ.વિક્રાંત પાંડે, માહિતી કમિશ્નર કિશોર બચાણી, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક સુ ભાવના વસાવા યોગદાન આપ્યું હતું.

કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થયું
આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 17 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 13 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થયું હતું. કર્તવ્ય પથ પર સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં લગભગ 2,500 કલાકારોએ ભાગ લીધો હતો. દેશભરમાંથી લગભગ 10,000 ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ પરેડનો પ્રારંભ ‘રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’ખાતે એક ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાથે થયો હતો, જ્યાં વડાપ્રધાનએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ, આ સમારોહની ઔપચારિક શરૂઆત રાષ્ટ્રપતિના સલામી મંચ પર આગમન, રાષ્ટ્રગીતનું ગાન અને 21 તોપોની સલામી સાથે થયો હતો. 77-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના બે વરિષ્ઠ નેતા : યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા.

77-મા પ્રજાસત્તાક પર્વમાં આ વર્ષે પ્રથમ વખત ‘સાયલન્ટ વોરિયર્સ’ તરીકે જાણીતા પ્રાણીઓએ પણ પરેડમાં ભાગ લીધો હતો. જેમાં મોંગોલિયન પ્રજાતિના બેક્ટ્રિયન ઊંટ, સિયાચીન ગ્લેશિયરમાં કામ કરતા ખચ્ચર, શિકારી પક્ષીઓ, સૈન્ય શ્વાન ટુકડીઓ સલામી મંચ પાસેથી પસાર થઇ હતી.

સેનાની વિવિધ પાંખોના કરતબો સાથે આ વર્ષે પહેલી વખત CRPFની પુરુષ ટીમનું નેતૃત્વ 26 વર્ષીય સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ કર્યું હતું. ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ કરનારી સિમરને ગાંધીનગરની સરકારી મહિલા કોલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી સીઆરપીએફની સહાયક કમાન્ડન્ટની પરીક્ષા પાસ કરી હતી. આ સાથે યુરોપિયન યુનિયનની કન્ટીજન્ટ પણ આ પરેડમાં સામેલ થઇ હતી. આ વર્ષની પરેડમાં પ્રથમ વખત ભારતીય સેના દ્વારા બેટલ અરે ફોર્મેટ દર્શાવવામાં આવશે, આવ્યું હતું જેમાં પરંપરાગત માર્ચિંગ ટુકડીઓ અને સેવા પ્રસ્તુતિઓનો સમાવેશ થતો હતો.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગૌતમ સિંઘાનિયા સ્પીડબોટ અકસ્માતમાં ઘાયલ, મુંબઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગૌતમ સિંઘાનિયા એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં ઘાયલ થયા છે. Raymond Groupના મેનેજિંગ ડિરેક્ટરને સામાન્ય ઈજાઓ થતાં તેમને Mumbaiની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી…