ગુજરાત પોલીસ ભરતી બોર્ડ: ટેકનોલોજી, પારદર્શિતા અને ‘ઝીરો એરર’નો ત્રિવેણી સંગમ

ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ 13591 જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના 15 નિર્ધારીત શહેરો અને SRP તાલીમ કેન્દ્રો ખાતે અંદાજે 10 લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે. આ આયોજન અંતર્ગત પુરૂષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડ પર તા. 13 માર્ચ, 2026 સુધી અને મહિલા તથા માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ પર 6 માર્ચ, 2026 સુધી કસોટીઓ યોજાશે. ખાસ વાત એ છે કે ઉમેદવારોની શારીરિક કસોટી આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવે છે તેમ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ જણાવ્યું હતું.

નીરજા ગોટરુએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ વખતની ભરતી પ્રક્રિયા માત્ર સંખ્યાબળની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ‘સંપૂર્ણ પારદર્શિતા’, ‘ઝીરો એરર’ અને ‘અદ્યતન ટેકનોલોજી’ ના ત્રિવેણી સંગમ તરીકે ઉભરી આવી છે. સંપૂર્ણ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ઉમેદવારની પસંદગી માત્ર તેની ક્ષમતા અને મહેનતના આધારે જ કરવામાં આવે છે.

તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન ફરજિયાત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના યુવાનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જ્યાં તેમને પોતાની મહેનત પર પૂરો ભરોસો રહે. છેવાડાનો યુવાન પણ પોતાની ક્ષમતાથી પોલીસ સેવામાં જોડાઈ શકે તે હેતુથી ભરતી પ્રક્રિયામાં ટેકનોલોજીને મહત્તમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ક્ષતિરહિત બનાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં, હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. તમામ ગ્રાઉન્ડના રિયલ-ટાઇમ મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

જાણો ટેકનોલોજી
RFID ટેકનોલોજી: શારીરિક કસોટીમાં દરેક સેકન્ડનો ચોકસાઈપૂર્વક હિસાબ રાખવા માટે ઉમેદવારોના પગમાં Radio Frequency Identification- RFID ચિપ લગાવવામાં આવે છે. જેનાથી દોડનો સમય ઓટોમેટિક સિસ્ટમમાં નોંધાય છે.

બાયોમેટ્રિક વેરિફિકેશન: કોઈ પણ ગેરરીતિ અટકાવવા માટે દરેક તબક્કે ઉમેદવારનું બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે.

CCTV સર્વેલન્સ: સમગ્ર ગ્રાઉન્ડ અને ભરતીના તમામ તબક્કાઓ CCTV સર્વેલન્સ હેઠળ કરવામાં આવે છે. દરેક ઉમેદવારની સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવે છે.

ડિજિટલ માપણી: ઊંચાઈ અને છાતી માપીને તેના ફોટો ઉમેદવારને કમ્પ્યુટરમાં બતાવવામાં આવે છે.

અપીલ બોર્ડ: જો કોઈ ઉમેદવારને અસંતોષ હોય, તો તેના નિરાકરણ માટે સ્થળ પર જ ‘અપીલ બોર્ડ’ પણ રાખવામાં આવ્યું છે. જેની સમક્ષ રજૂઆત કરી ઉમેદવાર પોતાના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવી શકે છે.

અપીલ બોર્ડમાં એક એસ.પી કક્ષાના અધિકારી અને એક મેડિકલ ઓફિસર સહિત ચાર સભ્યો હોય છે. અપીલ બોર્ડમાં રજૂઆત થાય તો આ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પુન: ચકાસણી કરવામાં આવે છે.ઉમેદવારોને કોઈ અગવડતા ન પડે તે માટે ગ્રાઉન્ડ પર પીવાનું પાણી, ORS, 108 એમ્બ્યુલન્સ સહિતની મેડિકલ ટીમની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

50,383 ઉમેદવારો ઉતીર્ણ થયા
ટેકનોલોજીના માધ્યમથી આ પરીક્ષાના પરિણામો પણ સ્થળ પર જ જાણવા મળી જાય છે. તા.22 થી 29 જાન્યુઆરી સુધીમાં 1,87,874 ઉમેદવારો બોલાવવામાં આવ્યા, 1,16,075 ઉમેદવારોએ શારીરિક કસોટી આપી તે પૈકી 50,383 ઉમેદવારો ઉતીર્ણ થયા છે.

સમગ્ર પ્રકિયાની ચુસ્ત સુરક્ષા અને દેખરેખ માટે દરેક ગ્રાઉન્ડના ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) અથવા પોલીસ અધિક્ષક (SP) કક્ષાના અધિકારી તથા તેમની મદદ માટે 90થી વધુ પોલીસ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ઉચ્ચ સ્તરીય સુપરવિઝન માટે DIGP/IGP કક્ષાના અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો…

ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ: ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા દબાણ કરાતું હોવાનો CIPDનો દાવો

દેશમાં ઈંધણ સંકટ અને વૈશ્વિક સ્તરે વધતી અસ્થિરતા વચ્ચે હવે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) સામે ગંભીર આરોપો સામે આવ્યા છે. દેશભરના પેટ્રોલ ડીલરોની સંસ્થા ‘કન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ’…