અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે નવા વર્ષની શરૂઆત પહેલા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરે છે. આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ યોજાશે. શહેરવાસીઓ અને મુલાકાતીઓ માટે આ કાર્નિવલ મફતમાં ખુલ્લો રહેશે, જેમાં મનોરંજન, સંસ્કૃતિ અને સર્જનાત્મકતા ભરપૂર કાર્યક્રમો જોવા મળશે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે કાંકરિયા કાર્નિવલની શરૂઆત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે 25 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે.
કાર્નિવલ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો કિર્તીદાન ગઢવી, સંકેત ખાંડેકર, પાર્થ ઓઝા અને ગીતાબેન રબારી સંગીત કાર્યક્રમો રજૂ કરશે. 29 ડિસેમ્બરે સ્ટેન્ડઅપ કોમેડી શો માટે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દીપ વૈદ અને ચિરાયુ મિસ્ત્રી હાજર રહેશે. 30 ડિસેમ્બરે ગિરિરાજ ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે, જ્યારે 31 ડિસેમ્બરે ઈશાની દવે ગુજરાતી ગીત-સંગીતની રાત્રિમાં ઉપસ્થિત રહેશે.કાર્નિવલમાં દરરોજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી વિવિધ કલાકારોના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાત્રે લેઝર શો, સાઉન્ડ શો, ડ્રોન શો, આતશબાજી, ડીજે નાઈટ, રોક બેન્ડ પર્ફોર્મન્સ, ક્લાઉન ફેસ્ટિવલ, જગલર શો અને મ્યુઝિકલ ફાઉન્ટેન જેવા આકર્ષણો પણ જોવા મળશે.
મનોરંજન સાથે સાથે વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશે- ફૂડ કોમ્પિટિશન, યોગા અને ઝુંબા, પેઈન્ટિંગ કોમ્પિટિશન, મેંહદી, નેઈલ આર્ટ, ટેટુ મેકિંગ, લેખન સ્પર્ધા અને ગેમિંગ ઇવેન્ટ્સ. આ સ્પર્ધાઓમાં બાળકો, યુવાનો અને મહિલાઓ માટે ખાસ તક રહેશે.છેલ્લા બે વર્ષથી કાંકરિયા કાર્નિવલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામી ચૂક્યો છે. આ વર્ષે પણ તેને ફરીથી વિશ્વસ્તરે સ્થાન મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.કાર્નિવલ માટે ત્રણ મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે – પોસ્ટકુંજ બાલવાટિકા, વ્યાયામ વિદ્યાલય અને પુષ્પકુંજ. પુષ્પકુંજ ખાતેથી 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી દ્વારા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.








