ચીન, ઈન્ડોનેશિયા અને જાપાનમાં ભૂકંપના ઝટકા: એક જ દિવસમાં અનેક સ્થળોએ ધરતી ધ્રૂજી

પૂર્વ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાના અનેક દેશોમાં મંગળવારે ભૂકંપની શ્રેણી નોંધાઈ હતી, જેના કારણે ચીન, ઈન્ડોનેશિયા અને જાપાનમાં તણાવનો માહોલ સર્જાયો છે. માત્ર 40 મિનિટની અંદર ચીનમાં અનેક વખત ભૂકંપના ઝટકા અનુભવાતા સ્થાનિક પ્રશાસને તાત્કાલિક એલર્ટ જાહેર કર્યું હતું.

ચીનમાં સતત આંચકા, ઈમરજન્સી એલર્ટ જાહેર
રિપોર્ટ્સ મુજબ ચીનના ક્વિંઘાઈ પ્રાંતમાં મંગળવારે સાંજે ભૂકંપની શ્રેણી નોંધાઈ હતી. સૌથી શક્તિશાળી આંચકાની તીવ્રતા અંદાજે 6.3 માપવામાં આવી હતી, જ્યારે ભૂકંપની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર જણાવાઈ રહી છે. માત્ર 40 મિનિટમાં અનેક વખત ધરતી ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રશાસને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. શરૂઆતના અહેવાલ મુજબ આ ઘટનામાં એક વ્યક્તિના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા છે. નજીકની કોલસાની ખાણોમાં કામકાજ તાત્કાલિક બંધ કરી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

ઈન્ડોનેશિયામાં 6.7 તીવ્રતાનો ભૂકંપ
મધ્ય ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ વિસ્તારમાં 6.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પાલુ શહેરથી લગભગ 43 કિલોમીટર દૂર અને જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આંચકાથી અનેક ઇમારતોને નુકસાન થયું છે અને ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. ભૂકંપ બાદ અનેક આફ્ટરશોક્સ પણ નોંધાયા, જેમાં સૌથી શક્તિશાળી આંચકો 5.2 તીવ્રતાનો હતો. લોકો ભયના કારણે ઘરોમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનોમાં ભેગા થયા હતા.

જાપાનમાં પણ 5.5 તીવ્રતાનો ભૂકંપ
જાપાનના ઇબારાકી પ્રાંતમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સ્થાનિક સમય મુજબ સાંજે 7:46 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 50 કિલોમીટર ઊંડાઈએ હતું. સાવચેતી રૂપે કેટલાક વિસ્તારોમાં લોકોમાં ચિંતા ફેલાઈ હતી, જોકે મોટા નુકસાનની તાત્કાલિક માહિતી મળી નથી.

પરિસ્થિતિ પર નજર
ત્રણેય દેશોમાં સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને નુકસાનનો આંકડો એકત્રિત કરવામાં આવી રહ્યો છે. ભૂકંપની આ શ્રેણી બાદ સમગ્ર વિસ્તારમાં ભૂકંપીય પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી રહી છે.

 

 

  • Related Posts

    નૌશેરા સેક્ટર (LoC) પાસે માઈન બ્લાસ્ટ: JCO સહિત 4 જવાનો ઈજાગ્રસ્ત

    જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક મંગળવારે પેટ્રોલિંગ દરમિયાન માઈન બ્લાસ્ટની ઘટના સામે આવી છે. નૌશેરા સેક્ટરના કલાલ ફોરવર્ડ વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં ભારતીય સેનાના ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા…

    રાજ્યમાં શિક્ષકોનું આંદોલન જાહેર: 20 જૂન સુધી જિલ્લામાં ધરણા કાર્યક્રમો યોજાશે

    રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ પોતાની માંગણીઓ લઈને આંદોલનના માર્ગે ઉતરવાના છે. વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET (શિક્ષક પાત્રતા પરીક્ષા)માંથી મુક્તિ આપવાની મુખ્ય માંગ સાથે રાજ્યવ્યાપી…