ચોમાસાની એન્ટ્રી છતાં અમદાવાદમાં અધૂરા રોડ અને ખોદકામથી લોકો પરેશાન, AMCની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ

ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પર ફરી સવાલો ઊભા થયા છે. કોર્પોરેશને 15 જૂન સુધીમાં તમામ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા, નવા રોડ ખોદકામ પર રોક લગાવવા અને રસ્તાના ખાડાઓ પૂરવાના આદેશો આપ્યા હતા. જોકે, ચોમાસું સક્રિય બન્યા બાદ પણ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ અધૂરા, ખોદકામ ચાલુ અને જોખમી પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે.

શહેરના ગોતા, ન્યૂ રાણીપ, નવા વાડજ, ઓઢવ અને નારોલ સહિતના વિસ્તારોમાં રોડ નિર્માણની કામગીરી અધૂરી હોવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ અનેક સ્થળોએ પાણી ભરાવા, રસ્તા ધસી પડવા અને અકસ્માતનું જોખમ વધ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ઓઢવમાં જર્જરિત પાણીની ટાંકીથી અકસ્માતનો ભય
ઓઢવના આદિનાથ નગર વિસ્તારમાં વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી હજુ સુધી દૂર કરવામાં આવી નથી. ટાંકીની નજીક મ્યુનિસિપલ પ્રાથમિક શાળા આવેલી હોવાથી વરસાદ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગોતામાં અધૂરો રોડ, વાહનચાલકો મુશ્કેલીમાં
ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તાથી ગોતા વૃંદાવન હાઇટ્સ તરફ જતા મુખ્ય માર્ગ પર બે મહિના પહેલાં શરૂ થયેલી કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. માર્ગનો એક ભાગ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફનો રોડ ખાડાઓથી ભરેલો હોવાથી વાહનચાલકોને જોખમ વચ્ચે પસાર થવું પડી રહ્યું છે.

ન્યૂ રાણીપમાં ત્રણ મહિનાથી ચાલુ માર્ગ કામગીરી
ન્યૂ રાણીપના ખોડિયાર મંદિર ચાર રસ્તા પાસે છેલ્લા ત્રણ મહિનાથી રોડ અને ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં રસ્તા વચ્ચે ખોદકામ ખુલ્લું રાખવામાં આવ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. પૂરતા બેરિકેડિંગના અભાવે અકસ્માતની શક્યતા પણ વધી છે.

નારોલના મારિયા પાર્કમાં ગટર સમસ્યા યથાવત
નારોલના રાણીપુર ગામ સ્થિત મારિયા પાર્ક વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા યથાવત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તાઓ બિસ્માર બન્યા છે અને ગંદકીના કારણે ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાની આશંકા વધી રહી છે.

નવા વાડજમાં વ્હાઇટ ટોપિંગનું કામ ધીમું
નવા વાડજના વાસુકીનગર વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી વ્હાઇટ ટોપિંગ રોડનું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી માત્ર એક તરફનો માર્ગ પૂર્ણ થયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. કામગીરીમાં વિલંબને કારણે રોજિંદા ટ્રાફિક પર અસર પડી રહી છે અને રહેવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

પ્રિ-મોન્સૂન આયોજનની અસરકારકતા પર પ્રશ્નો
શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પણ અધૂરા રોડ, ખુલ્લા ખાડા અને જર્જરિત માળખાં યથાવત રહેતાં AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની અસરકારકતા પર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકો દ્વારા સમયસર કામગીરી પૂર્ણ કરી જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી રહી છે.

 

 

 

 

  • Related Posts

    ગુજરાત ATSની મોટી કાર્યવાહી: જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદની ધરપકડ, વડોદરામાં બેઠક અને પાકિસ્તાની સંપર્કની તપાસ

    રાજ્યમાં રથયાત્રા પૂર્વે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા આઠ શંકાસ્પદ…

    પાકિસ્તાનમાં ગમખ્વાર બસ અકસ્માત: બલુચિસ્તાનમાં બસ ખીણમાં ખાબકી, 40નાં મોત; 8 ગંભીર રીતે ઘાયલ

    પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે થયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બલુચિસ્તાનના શેરાની જિલ્લાના ધનસાર વિસ્તારમાં…