દાહોદ જિલ્લામાં 10 કરોડથી વધુની વીજચોરીનો ભાંડો ફોડાયો છે, જેમાં MGVCL (મધ્ય ગુજરાત વિજ કંપની લિ.) દ્વારા સમગ્ર જિલ્લામાં વિજિલન્સ ટીમે વિશાળ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. શંકાસ્પદ મીટરો અને બિનકાયદેસર વીજ વપરાશ સામે કાર્યવાહી દરમ્યાન અત્યાર સુધીમાં મોટી માત્રામાં વીજચોરીના કિસ્સા બહાર આવ્યાં છે.
1000 કર્મચારીઓની ટીમે કર્યું ચેકિંગ
વિજિલન્સ વિભાગે દાહોદ શહેર અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં એક મહિના જેટલી લાંબી કાર્યવાહીમાં અંદાજે 1000 કર્મચારીઓ સાથે ચેકિંગ અભિયાન હાથ ધર્યું. અત્યાર સુધી 700થી વધુ શંકાસ્પદ વીજ મીટરો તપાસવામાં આવ્યા છે, જેમાંથી 254 મીટરોનું લેબોરેટરી પરીક્ષણ કરાયું અને 222 મીટરોમાં વીજચોરી સાબિત થઈ છે.
આંતરિક અહેવાલ અનુસાર, હવે સુધી ખુલાસો થયેલી વીજચોરીની કીમત આશરે ₹2.70 કરોડથી વધુ ની છે. હાલ વધુ 400 શંકાસ્પદ મીટરોની તપાસ બાકી છે અને અંદાજ છે કે આખું ચેકિંગ પૂર્ણ થયા બાદ વીજચોરીનો કુલ આંકડો ₹10 કરોડને પાર કરી શકે છે.
વેપારીઓ, તબીબો અને નેતાઓ પણ શંકાસ્પદ
પ્રાથમિક વિગતો મુજબ, વીજચોરીમાં કેટલાક સ્થાનિક વેપારીઓ, ખાનગી તબીબો અને રાજકીય જોડાણ ધરાવતા લોકોના નામો પણ સામે આવી શકે છે. વિજિલન્સ ટીમે દાહોદ, લીમડી, ઝાલોદ, લીમખેડા સહિત અનેક વિસ્તારોમાં 400થી વધુ મીટરો દાહોદ અને લીમડીમાં, ઝાલોદમાં 60, અને લીમખેડામાં 25થી વધુ મીટરો પકડ્યા છે. વીજચોરીના કેસમાં MGVCL દ્વારા એફઆઇઆર નોંધાઇ છે અને કાયદેસર પગલાં લેવાઈ રહ્યાં છે.
એમજીવીસીએલની ત્રાટકતી કાર્યવાહી યથાવત રહેશે
વિજિલન્સ વિભાગે જણાવ્યું કે આવા ઉલ્લંઘન સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ અપનાવવામાં આવી છે. રાજ્યભરમાં આવા ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને વીજચોરી કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.








