ગ્લોબલ ટ્રાન્સપરન્સી દ્વારા જાહેર કરાયેલા 2025ના ભ્રષ્ટાચાર સૂચકાંક (Corruption Perceptions Index) મુજબ ભારત હવે વિશ્વમાં 91મા ક્રમે પહોંચ્યું છે. 2024ની સરખામણીમાં 2025માં ભારતના સ્કોરમાં સુધારો નોંધાયો છે, છતાં ભ્રષ્ટાચાર સામેની લડતમાં દેશ હજુ પણ પડકારોનો સામનો કરી રહ્યો છે.
ભારતનો સ્કોર 39 – સુધારો છતાં ચિંતાજનક સ્થિતિ
રિપોર્ટ મુજબ ભારતનો ભ્રષ્ટાચાર સૂચકાંક સ્કોર 39 છે, જે હજી પણ જોખમી માનવામાં આવે છે. 2023માં ભારત 93મા ક્રમે હતું, જ્યારે 2024માં તેમાં એક પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. હવે 2025માં ભારત 91મા સ્થાને પહોંચ્યું છે, એટલે છેલ્લા ત્રણ વર્ષમાં ક્રમમાં સુધારો થયો છે. જોકે, આ સુધારો કેવી રીતે અને કયા પરિબળોના કારણે થયો તેની વિગત રિપોર્ટમાં આપવામાં આવી નથી.
વિશ્વમાં ડેનમાર્ક સૌથી ઓછું ભ્રષ્ટ, દક્ષિણ સુદાન સૌથી ભ્રષ્ટ
ગ્લોબલ ટ્રાન્સપરન્સીના આ રિપોર્ટમાં કુલ 180 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ડેનમાર્ક વિશ્વનો સૌથી ઓછો ભ્રષ્ટ દેશ ગણાયો છે. બીજી તરફ, દક્ષિણ સુદાન અને સોમાલિયા વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોમાં શામેલ છે. ફક્ત 7 દેશો એવા છે જેમનો સ્કોર 80થી વધુ છે, જે દર્શાવે છે કે વિશ્વના મોટા ભાગના દેશો ભ્રષ્ટાચારની સમસ્યાથી ગ્રસ્ત છે.
યુરોપ અને અમેરિકા માટે ચિંતાજનક સંકેતો
રિપોર્ટ અનુસાર યુરોપિયન દેશોમાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો નોંધાયો છે. બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલી જેવા દેશોના સ્કોરમાં ઘટાડો થયો છે. બ્રિટન હવે ટોચના 20 દેશોની યાદીમાંથી બહાર થઈ ગયું છે. ફક્ત જર્મનીમાં જ ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકાનો ક્રમ પણ એક સ્થાન નીચે સરક્યો છે. 2024માં અમેરિકા 28મા ક્રમે હતું, જે હવે 29મા ક્રમે પહોંચી ગયું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે.
ચીનની સ્થિતિ યથાવત
ચીનમાં ભ્રષ્ટાચારના કેસોમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. ચીનનો સ્કોર 43 પર સ્થિર રહ્યો છે અને તે 76મા ક્રમે છે.
રિપોર્ટના આધાર શું?
આ સર્વે ચાર મુખ્ય માપદંડો પર આધારિત છે:
– લોકશાહી સંસ્થાઓને રાજકીય દાન
– સંસ્થાઓની કાર્યક્ષમતા અને સ્વતંત્રતા
– પ્રવેશ માટે રોકડ ચૂકવણી (Bribery)
– પત્રકારોને રાજ્ય દ્વારા નિશાન બનાવવાની ઘટનાઓ
વૈશ્વિક વ્યવસ્થામાં દબાણ
ગ્લોબલ ટ્રાન્સપરન્સીએ રિપોર્ટ જાહેર કરતાં જણાવ્યું કે વૈશ્વિક વ્યવસ્થા હાલ દબાણ હેઠળ છે. મુખ્ય શક્તિઓ વચ્ચેની દુશ્મનાવટ, આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રત્યેની અવગણના, સશસ્ત્ર સંઘર્ષ અને આબોહવા સંકટ જેવી પરિસ્થિતિઓના કારણે ભ્રષ્ટાચાર સામેની લડત વધુ મુશ્કેલ બની રહી છે.
સંસ્થાએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર સામે અસરકારક લડત માટે સિદ્ધાંતવાદી નેતૃત્વ અને મજબૂત, સ્વતંત્ર સંસ્થાઓની જરૂર છે, જે જાહેર હિતનું પ્રામાણિકપણે રક્ષણ કરી શકે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






