ગુજરાતમાં શિયાળાની અસર ફરી એકવાર વધતી જોવા મળી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઠંડી વધુ અનુભવાઈ રહી છે. રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન મુજબ, નલિયામાં 12 ડિગ્રી, કેશોદમાં 14.8, ભુજમાં 15, કંડલામાં 15.5, પોરબંદરમાં 15.5, રાજકોટમાં 15.9, અમરેલીમાં 16.2, ડીસામાં 17.3, ગાંધીનગરમાં 18.6 અને અમદાવાદમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. જ્યારે હિમાલયના રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા નોંધાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. દિલ્હીના લોકોને હજુ ઓછામાં ઓછા બે દિવસ સુધી ઠંડીથી રાહત મળવાની નથી.
કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો?
હવામાન નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઉત્તર ભારતમાંથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં તીવ્ર ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા નથી, જેના કારણે પહાડોમાં ભારે હિમવર્ષા થઈ નથી. પરિણામે ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી પહોંચી શક્યા નથી.
તેમજ પ્રશાંત મહાસાગરમાં વધેલા તાપમાન એટલે કે **‘અલ નિનો’**ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે પણ લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થતો અટક્યો છે.
ગ્લોબલ વોર્મિંગની સ્પષ્ટ અસર
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં ત્રણેય ઋતુઓમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે કાતિલ ઠંડી પડતી હોય છે, પરંતુ આ વખતે ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભર શિયાળે પણ ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધી રહી છે. ડિસેમ્બર-2024માં કચ્છના નલિયામાં 31 દિવસમાંથી 22 વખત લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત જ પારો 10 ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
અમદાવાદ અને નલિયાના તાપમાનનું વિશ્લેષણ
ગત વર્ષે 28 ડિસેમ્બર 2024ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી સુધી ગગડ્યું હતું, જ્યારે આ વર્ષે સૌથી ઓછું તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે. મહત્વની વાત એ છે કે આ વર્ષે ડિસેમ્બરમાં નલિયા સિવાય રાજ્યના કોઈ પણ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદમાં ડિસેમ્બર-2024 દરમિયાન 31માંથી 14 દિવસ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહ્યું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત જ તાપમાન 14 ડિગ્રીથી નીચે ઉતર્યું છે. આ વખત ડિસેમ્બરમાં અમદાવાદમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં જાન્યુઆરીમાં 15 વર્ષમાં સૌથી ઓછી ઠંડી
હવામાનના આંકડાઓ મુજબ, છેલ્લા 15 વર્ષમાં અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં આ વખતે સૌથી ઓછી ઠંડી નોંધાઈ છે. 1954માં 10 જાન્યુઆરીએ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ત્રણ વખત જ તાપમાન 12 ડિગ્રીથી નીચે ગયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






