મધ્ય પૂર્વમાં ફરી એકવાર ગંભીર તણાવની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષના સંકેતો વચ્ચે અમેરિકાએ ખાડી વિસ્તારમાં પોતાની સૈન્ય હાજરીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. એરક્રાફ્ટ કેરિયર, ફાઈટર જેટ્સ, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ્સ અને એર રિફ્યુઅલિંગ ટેન્કરોની તૈનાતીથી પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ છે. બીજી તરફ ઈઝરાયલ સહિત અમેરિકાના સાથી દેશોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પશ્ચિમ એશિયા તરફ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ
અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ USS અબ્રાહમ લિંકનના નેતૃત્વમાં શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને પશ્ચિમ એશિયા તરફ વાળવામાં આવ્યું છે. આ સ્ટ્રાઈક ગ્રુપમાં ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર્સ અને એટેક સબમરીનનો સમાવેશ થાય છે. આ કાફલો અગાઉ દક્ષિણ ચીન સમુદ્રમાં તૈનાત હતો, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ તેને અરબી સમુદ્ર અને પર્સિયન ગલ્ફ તરફ મોકલવામાં આવ્યો છે. સુરક્ષા કારણોસર સ્ટ્રાઈક ગ્રુપના ટ્રાન્સપોન્ડર્સ બંધ રાખવામાં આવ્યા છે, જેને સૈન્ય ભાષામાં “ડાર્ક” થવું કહેવામાં આવે છે.
પશ્ચિમ એશિયામાં F-15E ફાઈટર જેટ્સની તૈનાતી
અમેરિકાએ પશ્ચિમ એશિયામાં F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ્સ પણ તૈનાત કર્યા છે. નોંધનીય છે કે એપ્રિલ 2024માં ઈરાન તરફથી થયેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓ બાદ આ જ સ્ક્વોડ્રનને ઈઝરાયલની સુરક્ષા માટે મોકલવામાં આવ્યું હતું. આ ફાઈટર જેટ્સ લાંબા અંતરના અને અત્યંત ચોક્કસ હુમલાઓ માટે જાણીતા છે, જેનાથી અમેરિકાની હુમલાની ક્ષમતા વધુ મજબૂત બની છે.
લાંબા અંતરના હુમલાની સંપૂર્ણ તૈયારી
અમેરિકી મીડિયાના અહેવાલો અનુસાર KC-135 એર રિફ્યુઅલિંગ ટેન્કરોને પણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ ટેન્કરો ફાઈટર જેટ્સને હવામાં જ ઈંધણ પૂરુ પાડે છે, જેના કારણે લાંબા સમય સુધી અને લાંબા અંતરના હુમલાઓ શક્ય બને છે. આ સાથે THAAD અને પેટ્રિઓટ જેવી અદ્યતન એન્ટિ-મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ્સ પણ પશ્ચિમ એશિયામાં તૈનાત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઈઝરાયલ, કતાર અને અન્ય અમેરિકી સાથી દેશોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.
ટ્રમ્પનું કડક નિવેદન અને વ્યૂહાત્મક નરમાઈ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ચેતવણી આપી હતી કે જો ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરશે તો તેને “સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવશે”. જોકે બાદમાં તેમના નિવેદનમાં થોડું નરમ વલણ જોવા મળ્યું હતું. વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પની આ વ્યૂહરચના ઈરાન પર દબાણ બનાવવાની અને વાટાઘાટોની શક્યતા ઊભી કરવાની છે. આ દરમિયાન ટ્રમ્પે ‘બોર્ડ ઓફ પીસ’ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાની જાહેરાત કરી હતી, પરંતુ માત્ર 24 કલાકમાં જ સૈન્ય તૈયારીઓ તેજ થતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ઈરાનની કડક પ્રતિક્રિયા
ઈરાને પણ અમેરિકાની સૈન્ય ગતિવિધિઓ સામે કડક પ્રતિક્રિયા આપી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેકેશ્કિયાને આરોપ લગાવ્યો છે કે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જૂન 2025માં થયેલા 12 દિવસના યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઈરાન કોઈપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેની સુરક્ષા અથવા સ્વાભિમાન પર હુમલો થયો તો કડક બદલો લેવામાં આવશે.
મધ્ય પૂર્વમાં યુદ્ધની આશંકા
વિશ્વભરના રાજકીય વિશ્લેષકો માને છે કે હાલની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. જો વાતચીતનો માર્ગ બંધ થયો તો મધ્ય પૂર્વમાં મોટા યુદ્ધની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ સમગ્ર વિશ્વની નજર અમેરિકા અને ઈરાનની આગામી ચાલ પર ટકી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






