ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ માટે નવા નિયમો જાહેર

દેશમાં ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ વધારવા અંગે સરકાર દ્વારા અગાઉ મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)એ પણ નવા સત્તાવાર ધોરણો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ 20 ટકાથી વધારીને 30 ટકા સુધી કરવાની મંજૂરી આપવામાં આવી છે. BIS દ્વારા E22, E25, E27 અને E30 ફ્યૂલ માટે ગુણવત્તા ધોરણો અને ટેક્નિકલ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે 15 મે 2026ના રોજ આ દિશામાં મહત્વપૂર્ણ મંજૂરી આપી હતી. ત્યારબાદ BIS દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર થતાં હવે દેશભરમાં વધુ પ્રમાણમાં ઈથેનોલ મિશ્રણવાળું પેટ્રોલ ઉપલબ્ધ થવાનો માર્ગ મોકળો થયો છે. સરકારના આ નિર્ણયથી ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો, વિદેશી ચલણની બચત અને પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે. સાથે જ સ્થાનિક ખાંડ ઉદ્યોગ અને બાયોફ્યુઅલ ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે, જેના કારણે ખેડૂતો અને ઉદ્યોગોને સીધો લાભ થવાની શક્યતા છે.

ઑલ ઈન્ડિયા ડિસ્ટલરી એસોસિએશન (AIDA)એ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. AIDAના અધ્યક્ષ વિજેન્દ્ર સિંહે જણાવ્યું કે BIS દ્વારા E22થી E30 ફ્યૂલ્સ માટે જાહેર કરાયેલા નવા ધોરણો ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રીન ફ્યૂલ અને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહી છે. નવા નિયમો સાથે હવે દેશમાં ઈથેનોલ આધારિત ઈંધણના ઉપયોગમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

 

  • Related Posts

    10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટ આવશે બજારમાં, કેન્દ્ર સરકારે RBIના પ્રસ્તાવને આપી મંજૂરી

    દેશમાં ટૂંક સમયમાં 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક એટલે કે પોલિમર (Polymer) નોટો જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના મહત્વના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ…

    કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા જાહેર પરીક્ષા સુધારા બિલ પર આજે લોકસભામાં ચર્ચા

    દેશભરના કરોડો વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાહેર પરીક્ષા (અનુચિત સાધનો નિવારણ) સુધારા વિધેયક, 2026 પર સંસદમાં લાંબા સમયથી ચાલી રહેલો…