રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો ગઈકાલથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું. જેના લીધે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આવામાં માવઠું થાય તો કૃષિ પાકોને ભારે નુકસાન પહોંચી શકે છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટશે.
જ્યારે જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે.અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હવામાનના પૂર્વાનુમાન વિશે તેમણે જણાવ્યું કે, અહીં લધુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેશે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.6 ડિગ્રી નોંધાયું છે. તેમણે જણાવ્યું કે, ઉત્તરના પવનોને કારણે તાપમાન નીચું જશે.
સાથે જ દક્ષિણ રાજસ્થાન તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન છે. જેના કારણે પવનની દિશા બદલાતા તાપમાન નીચું જવાની સંભાવના છે.નોંધનીય છે કે, હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા છાંટા કે ઝાપટાની આગાહી કરવામાં આવી હતી, આવામાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.