ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતા જ તમામ પાર્ટીઓ કામે લાગી ગઈ છે. કોંગ્રેસ પણ તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધનને લઇને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોઇપણ પાર્ટીનું રાજ્યસ્તરે ગઠબંધન અંગે પ્રસ્તાવ આવ્યો નથી. સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધન અંગે ચર્ચા કરીશું.
-> કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા AAP તૈયાર- ઇસુદાન ગઢવી :- ઇસુદાન ગઢવીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની તૈયારી હોવાનું નિવેદન આપ્યું હતું. ઇસુદાન ગઢવીના નિવેદન પર ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. લલિત વસોયાએ કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગઠબંધન નક્કી કરશે. કોંગ્રેસે ગઠબંધન વગર એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી જોઇએ.
-> ગઠબંધન અંગે સ્થાનિક નેતાઓની ભૂમિકા મહત્ત્વ :- સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પહોંચ્યા છે. પ્રદેશ કાર્યાલયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠક છે. પ્રદેશ પ્રભારીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને નિવેદન પણ આપ્યું હતું. મુકુલ વાસનિકે કહ્યું કે, ઘણા સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. સાથી પક્ષો સાથે ગઠબંધનનો નિર્ણય સ્થાનિક નેતાઓ કરશે. ગઠબંધન અંગેના નિર્ણયમાં સ્થાનિક નેતાઓની ભૂમિકા મહત્ત્વની રહેશે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું કે, કોંગ્રેસને લોકોનું સમર્થન મળી રહેશે એવો વિશ્વાસ છે.લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય નેતાઓ નિર્ણય લેતા હોય છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં સ્થાનિક નેતાઓ નિર્ણય લેશે.